News of Saturday, 13th September 2025
જૂનાગઢ મનપાના કોર્પોરેટરની હત્યા કરી 6 વર્ષથી ફરાર આરોપી અશ્વિન સભાડને બિકાનેરથી ઝડપી લેવાયો
કુખ્યાત અશ્વિન સભાડે વર્ષ 2010માં કોર્પોરેટર કરમણ કટારાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી

જૂનાગઢઃ મનપાના કોર્પોરેટરની હત્યા કરી 6 વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના બિકાનેરથી ઝડપી લેવાયો છે. કુખ્યાત અશ્વિન સભાડે વર્ષ 2010માં કોર્પોરેટર કરમણ કટારાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી હતી. વચગાળાના જામીન પર છુટ્યા બાદ અશ્વિન સભાડ ફરાર હતો. ત્યારે બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રાજસ્થાનના બિકાનેરથી અશ્લિનને ઝડપી લીધો હતો, પોલીસથી બચવા અશ્વિન સભાડ જુદા જુદા વેશ ધારણ કરતો હતો. બિકાનેરમાં તે સાધુના વેશમાં રહેતો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે અશ્વિનને ઝડપી પેરોલ ફર્લો સ્ક્વોડને સોંપ્યો હતો અને હાલ આરોપીને જેલ હવાલે કરાયો છે.
કરમણ કટારા જૂનાગઢ ભાજપના સક્રિય કાર્યકર હતા. તેમની રાજકીય કારકીર્દીની વાત કરીએ તો તેઓ જૂનાગઢ નગરપાલિકા હતી ત્યારે ભવનાથ વિસ્તારમાંથી બે વખત બિનહરીફ ચૂંટાયા હતા. ત્યારબાદ કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું અને તેઓ ભાજપમાંથી ત્રણ વખત ચૂંટાયા. કરમણ કટારાને દંડક અને ડેપ્યુટી મેયરનું પદ પણ મળ્યું હતું. તેમના સમયગાળા દરમિયાન જ ગિરનાર રોપવેનું તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ખાતમુહુર્ત થયું હતું. પોતાના વિસ્તારમાં લોકોના કામને લઈને તેઓ સતત પાંચ ટર્મથી ચુંટાઈ આવતાં હતા.
કરમણ કટારા ભવનાથ વિસ્તારમાંથી ચુંટાયા હતા અને પોતાના વિસ્તારમાં અશ્વિન સભાડ તથા અન્ય શખ્સો દારૂ, ગાંજો જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા હોવાથી કરમણ કટારાએ આ અંગે પોલીસને માહિતી આપી હતી. આ બાબતનું મનદુઃખ રાખીને 02-02-2010ના રોજ ભવનાથમાં વડલી ચોકમાં અશ્વિને કરમણ કટારા પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરીને હત્યા નીપજાવી ફરાર થઈ ગયો હતો.
(11:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
