News of Sunday, 14th September 2025
પીઠડીયા ટોલનાકા પર GOVT. OF GUJARAT લખેલી કાર ટોલ ભર્યા વગર નીકળી ગઈ: ટોલ પ્લાઝા મેનેજરે પોલીસને અરજી કરી કાર્યવાહીની કરી માગ
ટોલ પ્લાઝાના કર્મીને ધમકી આપી બૂમ બેરિયર તોડીને કાર ચાલક કાર હંકારી નાશી છૂટે છે.

વીરપુર પાસે પીઠડીયા ટોલ પ્લાઝાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ નેઇમ પ્લેટ સાથેની GJ18 BJ 3737 નંબરની ઇનોવા કાર ચાલક રોફ જમાવતો નજરે પડ્યો હતો. ઇનોવા કાર ટોલનાકામાં પહોંચે એ પહેલા ડ્રાઇવર સાયરન વગાડીને રોફ જમાવતો નજરે પડે છે. આ કારમાં GOVT.OF GUJARAT લખેલ છે. જ્યાં ટોલ ટેક્ષ ભર્યા વિના જ ટોલ પ્લાઝાના કર્મીને ધમકી આપી બૂમ બેરિયર તોડીને કાર ચાલક કાર હંકારી નાશી છૂટે છે. સમગ્ર મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે ટોલ પ્લાઝા તરફથી કાર ચાલક વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. આ મામલે વીરપુર પોલીસે નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ઇગલ ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડ પીઠડીયા ટોલ પ્લાઝાના જીવરાજ વાણવીએ વીરપુર પોલીસ સ્ટેશનના પીઆઈને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતુ કે, ભારત સરકારના ગેજેટ નોટિફિકેશન મુજબ અમો ટોલ પીઠડીયા ટોલ પ્લાઝામાં કલેક્સનનું કામ કરીએ છીએ જેમાં ટોલ પ્લાઝામાં અમુક વાહન ચાલકો દાદાગીરી કરીને ટોલ ફી ન ભરવા માટે ટોલ ગેટમાં લગાવેલ બૂમ બેરીયર તોડીને વારંવાર નુકસાન કરે છે.
આ દરમિયાન 10 સપ્ટેમ્બરના સવારે 7.54 વાગ્યે એક ઇનોવા કાર આવે છે. જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું છે અને અંદરના ગાળામાં ગવર્મેન્ટ સાયરન પણ છે. ટોલ પ્લાઝાનો સ્ટાફ રોકવાની કોશિશ કરે છે તો તેને મારવાની ધમકી આપે છે. જેથી અમારી નમ્ર અરજ છે કે આવી રીતે ગુંડાગીરી કરતા તેમજ સરકારી મિલકતને નુકસાન કરનારા ઇસમો ઉપર તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
આ બાબતે વીરપુર પોલીસ મથકના પીઆઇ એસ.જી.રાઠોડે જણાવ્યું હતું કે, પીઠડીયા તોડના કે એક કાર દ્વારા બળજબરીપૂર્વક ટોલ પ્લાઝામાંથી નીકળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. જે અંગે ટોલ પ્લાઝાના મેનેજરની અરજી આવેલી છે આ બાબતે વીરપુર પોલીસની ટિમ દ્વારા તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
