<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

મોરબીના રાજાશાહી વખતના પાડાપુલનું રૂ. 1.30 કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રીપેરિંગ કાર્ય શરૂ.

પુલના એક્સપાન્સન જોઈન્ટ બદલવા એક મહિના માટે પુલને બંધ કરાશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  આજના સમયમાં બનેલા પુલ 30થી 40 વર્ષમાં જ ખડભડી ઉઠે છે ત્યારે મોરબી શહેરમાં રાજાશાહી સમયમાં બનેલ 145 વર્ષ જુના પાડાપુલ આજે પણ અડીખમ ઉભો છે. જો કે, દોઢ દાયકા જુના આ પુલમાં જેકેટિંગ એટલે કે, પ્લાસ્ટર, બેરિંગ, અને એક્સપાન્સન જોઈન્ટનું કામ કરી પુલને વધુ મજબૂતાઈ પ્રદાન કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 1.30 કરોડના ખર્ચે કામગીરી શરૂ કરવામાં આવી છે અને આગામી જાન્યુઆરી માસ સુધીમાં પુલની કામગીરી પૂર્ણ કરી લેવામાં આવશે.
     મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારને જોડવા માટે 1879માં મોરબીના રાજવી શ્રી વાઘજી ઠાકોર દ્વારા મુંબઈના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલના હસ્તે રૂપિયા 4 લાખના ખર્ચે મચ્છુ નદી ઉપર 800 મીટર લાંબો પુલ બનાવવાનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું અને 1880માં પુલનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું હતું. જો કે, પાડા પુલ બન્યાના 145 વર્ષ બાદ પણ આજે આ પુલ અડીખમ ઉભો છે ત્યારે હાલમાં પુલમાં કેટલીક જગ્યાએ પ્લાસ્ટર જર્જરિત થયું હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂપિયા 1.30 કરોડના ખર્ચે રીપેરીંગ શરૂ ક૨વામાં આવ્યું છે. માર્ગ મકાન વિભાગના અધિકારી હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, આગામી જાન્યુઆરી માસ સુધીમાં પુલને જેકેટિંગ, બેરિંગ બદલવા સહિતની કામગીરી પૂર્ણ કરી લેવાશે. સાથે જ પુલના એક્સપાન્સન જોઈન્ટ બદલવા માટે નવેમ્બર-ડિસેમ્બરમાં એક મહિના માટે પુલને બંધ કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું


 

(11:04 PM IST)