News of Monday, 15th September 2025
રીબડા રેલ્વે સ્ટેશન પાસે ‘હિટ એન્ડ રન': બાઇક ચાલક ઠોકરે લઇ ભાગ્યોઃ ૧૦ વર્ષની બાળાનું મોત
શાપરથી માતા-પિતા રીબડા પાસે કડીયા કામે આવ્યા હોઇ દસ વર્ષની આશુ નાના ભાંડરડાને સાચવવા ભેગી આવી હતીઃ રસ્તો ઓળંગતી વખતે બનાવઃ રાજકોટ હોસ્પિટલમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૫: રીબડા રેલ્વે સ્ટેશન નજીક રસ્તો ઓળંગી રહેલી દસ વર્ષની બાળાનું ગંભીર ઇજા થતાં મોત થયું છે. શાપરનું દંપતિ રીબડા કડીયા કામની મજૂરી કરવા આવ્યું હોઇ આ બાળકી પોતાના નાના ભાંડરડાને સાચવવા માટે ભેગી આવી હતી. સાઇટ નજીક રસ્તો પસાર કરી રહી હતી ત્યારે અજાણ્યો બાઇક ચાલક ઠોકરે લઇ ભાગી ગયો હતો.જાણવા મળ્યા મુજબ શાપર વેરાવળ રહેતાં મુળ મધ્યપ્રદેશના રાકેશભાઇ વસુનીયા હાલ રીબડા રેલ્વે સ્ટેશન પાસે ચાલતી બાંધકામની સાઇટ પર કડીયા કામની મજૂરી કરતાં હોઇ દરરોજ શાપરથી રિક્ષામાં પત્નિ, બાળકો સાથે અહિ આવી મજૂરી કરે છે. ગત ૧૨મીએ તે અને તેના પત્નિ મજૂરી કરી રહ્યા હતાં ત્યારે નાના બાળકોને રાકેશભાઇની ૧૦ વર્ષની દિકરી આશુ સંભાળ રાખવા ભેગી આવી હોઇ તે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે એક બાઇકનો ચાલક તેણીને ઠોકરે લઇ ભાગી ગયો હતો.
આશુને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ આજે સવારે તેણીનું મોત નિપજતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આશુ બે ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ, પ્રકાશભાઇએ ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
