<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

મોડીરાત્રે માંગરોળમાં કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્ર દ્વારા બે ધાર્મિક સ્થળોનું ડિમોલિશન

વેરાવળ-પોરબંદર નેશનલ હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ બની રહેલા બે ધાર્મિક સ્થળોને દૂર કરાયા

જૂનાગઢના માંગરોળ શહેરમાં મોડી રાત્રે વહીવટી તંત્ર દ્વારા એક મહત્ત્વની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત, વેરાવળ-પોરબંદર નેશનલ હાઈવે પર ટ્રાફિકને અડચણરૂપ બની રહેલા બે ધાર્મિક સ્થળોને દૂર કરવામાં આવ્યા છે. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ દબાણો હટાવવાનું કામ કડક પોલીસ બંદોબસ્ત હેઠળ કરવામાં આવ્યું હતું, જેથી કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને.

    આ ડિમોલિશનની કામગીરીમાં સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત કુલ 300 પોલીસ કર્મચારીઓ અને 150 જીઆરડી તથા હોમગાર્ડના જવાનો જોડાયા હતા. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા. ટ્રાફિકને અસર ન થાય તે માટે ડિમોલિશન દરમિયાન કેટલાક માર્ગો પણ રાત્રિના સમયે બંધ કરવામાં આવ્યા હતા. 

   આ ડિમોલિશનનો મુખ્ય હેતુ ટ્રાફિકની સમસ્યાને હલ કરવાનો અને નેશનલ હાઈવે પર વાહનવ્યવહારને સુગમ બનાવવાનો હતો. આ કાર્યવાહીમાં નેશનલ હાઈવે ઓથોરિટી, વહીવટી તંત્ર, પોલીસ અને પીજીવીસીએલની ટીમો ખડેપગે રહી હતી, જેના પરિણામે આખી કામગીરી શાંતિપૂર્ણ રીતે પાર પડી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભવિષ્યમાં પણ જો અન્ય કોઈ ધાર્મિક સ્થળ કે જગ્યા ટ્રાફિક માટે અડચણરૂપ હશે, તો તેને પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. આ પગલાંથી શહેરીજનોને લાંબા ગાળે ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે.  

(12:17 PM IST)