હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભાવનગરનું સખી વન સ્ટોપ સેન્ટર અનેક મહિલાઓ માટે બન્યું આશીર્વાદરૂપ : છેલ્લા સાત વર્ષમાં ૧ હજારથી વધુ મહિલાઓએ મદદ મેળવી
મહિલાઓની મદદ માટે 'સખી-વન સ્ટોપ સેન્ટર 24x7 કલાક કાર્યરત : ૬૦૫ મહિલાઓને હંગામી ધોરણે આશ્રય, ૩૭ ને તબીબી, ૧૧૯૬ મનોવૈજ્ઞાનિક પરામર્શ , ૦૫ પોલીસ સહાય, ૪૩૨ ને કાયદાકીય, ૨૧૭ સમાધાન, ૪૭ નું પરિવાર સાથે પુન: મિલન, ૧૨૫ પિયર પક્ષના સભ્યોને સોપેલ અને ૯૭૫ અન્ય પ્રકારે આવેલી મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ મળી

ભાવનગર તા.૧૫ : કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને મુશ્કેલીના સમયે મદદ મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટરની ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી રમેશભાઈ ઝાંખણીયાના માર્ગદર્શન હેઠળ આ સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે. જેમાં છેલ્લા સાત વર્ષમાં ૧,૩૮૪ જેટલાં કેસોના સમાધાન થયા છે. આમ, આ સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઇ રહ્યું છે.
માર્ચ-૨૦૧૯ થી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૧,૩૮૪ કેસોનું સમાધાન
ભાવનગર જિલ્લામાં વિદ્યાનગર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં માર્ચ-૨૦૧૯ થી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં ૧૩૮૪ કેસોનું સમાધાન થયું છે. જેમાં વિગતવાર આંકડાકીય વિગત જોઇએ, તો ૬૦૫ હંગામી ધોરણે આશ્રય, ૩૭ મહિલાને તબીબી, ૧૧૯૬ મનોવૈજ્ઞાનિક પરામર્શ , ૦૫ પોલીસ સહાય, ૪૩૨ મહિલાઓને કાયદાકીય, ૨૧૭ સમાધાન, ૪૭ મહિલાઓનું પરિવાર સાથે પુન: મિલન, ૧૨૫ પિયર પક્ષના સભ્યોને સોપેલ અને ૯૭૫ અન્ય પ્રકારે આવેલી મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મદદ મળી છે.
ભાવનગર સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક શોભા મકવાણાએ સખી વનસ્ટોપ સેન્ટરની સાત વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરી વિગતો આપતા જણાંવ્યુ કે, સખી વન સ્ટોપ સેન્ટરમાં મનોવૈજ્ઞાનિક પરામર્શની સાથે સાથે કાયદાકીય સહાય, પોલીસ સહાય, તબીબી સહાય તેમજ હંગામી ધોરણે આશ્રયની સહાય પણ પુરી પાડવામાં આવે છે. અહીં આશ્રય મેળવતી મહિલાઓને સમયસર જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે તેમજ સમયાંતરે તેમનું કાઉન્સેલિંગ કરીને પરિવાર સાથે પુન:સ્થાપન કરાવવામાં આવે છે. જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના કારણે પીડિત મહિલાઓમાં એક નવી આશાનો સંચાર થયો છે. આમ, મહિલાઓની મદદ માટે 'સખી-વન સ્ટોપ સેન્ટર' 24 x 7 કલાક કાર્યરત હોય છે. મહિલા, કાઉન્સેલર, કેસ એન્ટ્રી કરનાર, મહિલા વકીલ, મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને નર્સનો સમાવેશ કરવામાં આવે છે. આ કેન્દ્ર પર તમામ કાર્ય મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. જેથી મદદ માટે આવનાર મહિલાઓ પોતાને સુરક્ષિત અનુભવી શકે અને ખુલીને પોતાની વ્યથા વ્યક્ત કરી શકે અને મદદ મેળવી શકે છે.
"સખી" વન સ્ટોપ સેન્ટર (OSC) યોજનાનો લાભ કોણ લઈ શકે છે?
"સખી" વન સ્ટોપ સેન્ટર યોજનાનો લાભ કુટુંબની અંદર, ખાનગી કે જાહેર સ્થળો પર, સમુદાય સ્તરે અથવા કાર્યના સ્થળે હિંસાનો ભોગ બનેલ કોઈ પણ કિશોરી/મહિલા લઈ શકે છે. ખાસ કરીને એવી કિશોરીઓ/મહિલાઓ કે જેઓ શારીરિક હિંસા, ભાવનાત્મક હિંસા, માનસિક હિંસા, ઘરેલું હિંસા, જાતિગત હિંસા, જાતીય સતામણી ,અનૈતિક દેહવ્યાપાર અને ડાકણ પ્રથા માંથી કોઇપણ પ્રકારની હિંસાનો ભોગ બનેલ હોય.
"સખી" વન સ્ટોપ સેન્ટર દ્વારા અપાતી સેવાઓ
હંગામી ધોરણે તાત્કાલિક આશ્રય, પરામર્શ (કાઉન્સેલિંગ) ની સેવાઓ, તબીબી સેવાઓ, વિડિઓ કોન્ફરન્સિંગ સુવિધા, પોલીસ સેવાઓ, ઇમર્જન્સી રિસ્પોન્સ અને રેસ્ક્યુ સર્વિસીસ, કાયદાકીય સેવાઓ અને પ્રિ તથા પોસ્ટ મેરેજ કાઉન્સેલીંગ વગેરે જેવી સેવાઓ આપવામાં આવે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
