<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

ધર્મોત્સવ ઉજવનારાઓનું સન્માન કરવું એ ભગવાનની ભકિત જ છે : પૂ.દેવપ્રસાદજી મહારાજ

એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા ગણપતિ પંડાલોના આયોજકોનો ૧૫ મો સન્માન સમારોહ યોજાયો: ધાર્મિક ભાવનાને સાચી દિશા આપીએ, ઉજવણીમાં પૂરતી તકેદારી રાખીએ : પૂ.કૃષ્ણમણીજી મહારાજ સમાજ ઉત્સવ ઉજવે તેના આયોજકોનું સન્માન વિરલ હસ્તી જ કરી શકે : પૂ.ચર્તુભુજદાસજી મહારાજ: ગણેશોત્સવમાં ઈકો ફેન્ડલી મૂર્તિ માટે અમારી અપીલના પગલે શહેરના ૯૦ ટકા જેટલા પંડાલોમાં માટીની મૂર્તિનું સ્થાપન સમાજની પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા દર્શાવે છે: ટ્રસ્ટી જીતુભાઈ લાલ

જામનગર :સમગ્ર હાલાર તેમજ સૌરાષ્ટ્ર ગુજરાતમાં અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓમાં સતત કાર્યરત એવા જામનગરની હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ઉપક્રમે જામનગરમાં ગણેશ મહોત્સવ પંડાલના આયોજકોને સન્માનવાનો સમારોહ સતત ૧૫ માં વર્ષે યોજાયો હતો.
આ સમારોહમાં જામનગર આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજ, ૫ નવતનપુરી ધામ (ખીજડા મંદિર) ના આચાર્ય પૂ.કૃષ્ણમણીજી મહારાજ તથા સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂ.ચર્તુભુજદાસજી સ્વામી આર્શિવચન પાઠવવા ખાસ ઉપસ્થિત રહયા હતાં. આ ઉપરાંત જામનગર શહેરના વિવિધ મહિલા સંસ્થાઓના પ્રમુખો અતિથિ તરીકે ઉપસ્થિત રહયા હતાં. સમારોહનો પ્રારંભ પૂજય મહંતો તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આરતી સાથે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનના ટ્રસ્ટી જીતુભાઈ લાલે સૌને આદર પૂર્વક આવકારતા જણાવ્યું હતું કે લાલ પરિવાર દ્વારા ગણેશ મહોત્સવના આયોજકોને ઈકોફેન્ડલી માટીના ગણેશ મૂર્તિની સ્થાપના કરવા અપીલ કરી હતી. જે અપીલના કારણે આજે છેલ્લા ચાર-પાંચ વર્ષથી ૯૦ ટકા જેટલા મહોત્સવમાં માટીની મૂર્તિનું સ્થાપન કરી ઉત્સવ ઉજવવામાં આવી રહયો છે. આ આયોજકોના સહકારના કારણે આ અભિયાન સફળ થયું છે.
વધુમાં જીતુભાઈ લાલે અગાઉના વરસોમાં દરિયામાં મૂર્તિના વિર્સજન માટે લાલ પરિવાર દ્વારા ક્રેઈન સહિતની સુવિધા પુરી પાડી હોવાનું જણાવ્યું હતું જયારે હવે મહાનગરપાલીકા તંત્ર દ્વારા કુત્રિમ કુંડ બનાવાય છે ત્યારે સૌ આયોજકોને કોઈપણ જાતનું જોખમ લીધા વગર મૂર્તિઓ કુંડમાં જ પધરાવવા તેમણે અનુરોધ કર્યો હતો.
માત્ર જાહેર કે સાર્વજનિક ગણેશોત્સવ નહી પણ ઘરમાં કે એપાર્ટમેન્ટમાં પણ માટીની જ ગણેશ મૂર્તિનું સ્થાપન કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અશોકભાઈ લાલ, મિતેષ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજ લાલનું બહારગામ રોકાણ થયું હોવાથી સમારોહમાં હાજર રહી શકયા નથી, પણ સમગ્ર લાલ પરિવાર વતિ સૌને હૃદયપૂર્વક આવકારૂ છું.
આ સમારોહમાં ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંકના સૌજન્યથી પ્રકાશિત સાયબર ફ્રોડ અંગે વિસ્તૃત જાણકારી આપતી "સાયબર સાથી ” પુસ્તિકાનું વિમોચન ઉપસ્થિત મહંતોના હસ્તે કરવામાં આવ્યું હતું. જામનગર જીલ્લા સહકારી બેંક દ્વારા ચેરમેન જીતુભાઈ લાલના માર્ગદર્શન હેઠળ આ પુસ્તિકાનું વિતરણ કેદાર (હરિ) લાલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ સમારોહમાં નાંદુરસ્ત તબિયત હોવા છતાં લાલ પરિવારની વિનંતીને ઘ્યાને લઈને પધારેલા આણદાબાવા સેવા સંસ્થાના મહંત પૂ.દેવપ્રસાદજી મહારાજે તેમના ઉદબોધનમાં જણાવ્યું કે શિવ પરિવાર એક જ અવો પરિવાર છે જયાં ભગવાન શંકર, તેમના પત્નિ પાર્વતીમાતાજી, તેમના પુત્ર ગણેશજી, કાર્તિકિય એ તમામના મંદિરો છે અને પૂજાય છે. રામના મંદિર છે, દશથના નથી, કૃષ્ણના મંદિર છે, વાસુદેવના નથી.

ભારતમાં દરેક ઉત્સવને ઉજવવા જ જોઈએ, જે આપણી સંસ્કૃતિ સાથે વણાયેલા છે. ઉત્સવ ઉજવનારાઓનું સન્માન કરવું તે ભગવાનની ભકિત જ છે. ગણેશજીનું વાહન ઉદર પરિશ્રમનું પ્રતિક છે. લાંબુ નાક પ્રતિષ્ઠા દર્શાવે છે જયારે મોટું પેટ દરેક સુખ દુઃખની વાતો પેટમાં જ રાખવાની શકિત દર્શાવે છે અને મોટી આંખો દ્રષ્ટિની વિશાળતા સૂચવે છે.
પૂ.દેવપ્રસાદજી મહારાજે લાલ પરિવારના અવિરત સેવા કાર્યોને બિરદાવતા જણાવ્યું હતું કે કોઈનું અપમાન કરવું સહેલું છે, પણ સન્માન કરવું કઠિન છે. ગણેશોત્સવ ધામધુમથી, ભકિતસભર સાથે ઉજવાય અને તેના આયોજકોનું સન્માન કરવાનું સત્કાર્ય લાલ પરિવાર કરે છે અને તેનાથી ઉત્સવ વધુને વધુ ભાવપૂર્વક ઉજવાય રહયા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે લાલ પરિવારની દરેક સેવાકિય પ્રવૃતિઓથી વાકેફ છું, ધન કમાવું કઠીન છે, તેને સાચવવું તેનાથી પણ કઠીન છે પણ ધનનો સેવાકાર્યોમાં સદઉપયોગ કરવો તે ઈશ્વરની કૃપા હોય તો જ શકય બને અને લાલ પરિવાર ઉપર ઈશ્વરની કૃપા વરસી જ રહી છે ત્યારે વધુને વધુ સેવાકાર્યો કરતા રહે તેવી પ્રાર્થના કરુ છું.
૫ નવતનપુરી ધામ (ખીજડા મંદિર) ના આચાર્ય પૂ.કૃષ્ણમણીજી મહારાજે જણાવ્યું કે દરેક ક્ષણને ઉત્સવ બનાવો, જીવન ધન્ય થઈ જશે. ઉત્સવ ઉજવવાથી વ્યકિત પ્રસન્ન રહે છે.
હાલના સમયમાં ઈકો-ફ્રેન્ડલી મૂર્તિ આવશ્યક છે. મૂર્તિના કદને મહત્વ આપવાના બદલે મૂર્તિમાં ભાવ સાથે ઈશ્વરના દર્શનની અનુભૂતિ કરો. ભાવ વગરનો મનુષ્ય સુગંધ વગરના પુષ્પ જેવો છે. ધાર્મિક ભાવનાને સાચી દિશા આપીએ, ઉજવણીમાં પુરી તકેદારી રાખીએ અને પુરા ભાવ–ભકિત સાથે વિર્સજન કરીએ.
તેમણે સાયબર સાથી પુસ્તિકા અંગે જણાવ્યું હતું કે અત્યારે જે રીતે સાયબર ફ્રોડ વધી રહયા છે ત્યારે આ પુસ્તિકા ખુબ જ ઉપયોગી પુરવાર થશે. તેમણે જીતુભાઈ લાલને આ પુસ્તિકાની પી.ડી.એફ. ફાઈલ બનાવી સોશ્યલ મિડીયામાં વાયરલ કરવા અનુરોધ કર્યો હતો. પૃ.કૃષ્ણમણીજી મહારાજે અંતમાં લાલ પરિવારને આર્શિવાદ આપી સેવાકાર્યોને અવિરત ચાલુ રાખે તેવી પ્રભુ પ્રાર્થના કરી હતી
સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી ચર્તુભુજદાસજી સ્વામીએ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે સમાજ ઉત્સવ ઉજવે અને તેના આયોજકોનું, ઉજવનારાઓનું સન્માન તો કોઈ વિરલ હસ્તી જ કરી શકે જે સારું કાર્ય કરે તેને સન્માનવા એ આપણી ભારતીય સંસ્કૃતિ છે. લાલ પરિવાર પુરા ભાવથી ગણેશ મહોત્સવ પંડાલના આયોજકોને પોતાનો પરિવાર માનીને સન્માન કરે છે.
તેમણે ગણેશજીની મૂર્તિની સ્થાપના અંગે ખુબ જ ભારપૂર્વક જણાવ્યું કે મૂર્તિ ભલે નાની હોય પણ તેનું સ્થાપના ઉચા સ્થાને કરો. તેમણે જીતુભાઈ લાલની પ્રશંસા કરતાં જણાવ્યું કે તેઓ ભલે ઉંચાઈમાં નાના છે, પણ કાર્યો સદાય મોટા જ કરે છે. માત્ર પોતાની જ્ઞાતિ માટે જ નહીં સમરત સમાજ માટે નાત-જાતના ભેદભાવ વગર સેવાકાર્યો કરે છે.
ગણેશોત્સવના આયોજકોને અનુરોધ કરતા જણાવ્યું કે ધાર્મિકોત્સવની ઉજવણી મર્યાદા જાળવીને કરો. ઉત્સવ દરમ્યાન વ્યસનથી દૂર રહો. આ ઉત્સવ તમારા માટે વ્યસનમૂકિતના આર્શિવાદરૂપ બની રહે તેવી રીતે ચુસ્તપણે પાલન કરો.
લાલ પરિવારના સેવાકાર્યોને અભિનંદન આપી બિરદાવ્યા હતાં અને ઈશ્વરની કૃપા તેમના પરિવાર પર સદાય વરસતી રહે, ભારતીય સંસ્કૃતિ, ધર્મને ગૌરવ મળતું રહે તેવી પ્રાર્થના કરી હતી.
આ સમારોહમાં મહિલા સંસ્થાના પ્રમુખો જયોતિબેન માધવાણી, મિતાબેન દોશી, હેમાબેન લીયા, ચેતનાબેન માણેક, ડો.રક્ષાબેન દાવડા, શિલ્પાબેન માધવાણી, રિટાબેન જાની, હિનાબેન પાટલીયા, જસ્મિતાબેન વિંછી તેમજ વિવિધ ગણેશ મહોત્સવ પંડાલના આયોજકો, કાર્યકર ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.
સમગ્ર સમારોહનું સંચાલન બિમલભાઈ ઓઝા તથા અલ્કાર્બન નથવાણીએ કર્યું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અજય કોટેચા, વિરાજ કાનાબાર, જીતુભાઈ નથવાણી, અકરમ સુમરા, આર.કે.પરમાર, રાજેશ વ્યાસ, રાજેશ ચંદારાણા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(10:45 PM IST)