<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th September 2025

“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયું” અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે

માતા અને બાળકના સ્વસ્થ જીવન તથા સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ રસીકરણ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવશે

(માહીતી બ્યુરો) દેવભૂમિ દ્વારકા તા.૧૬

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા "સ્વસ્થ નારી, સશક્ત પરિવાર પખવાડિયું"નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન ઉજવણી થનાર આ પખવાડિયામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી  ડો. સી.બી.ચોબીસાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે. આ અભિયાન અંતર્ગત માતા અને બાળકના સ્વસ્થ જીવન તથા સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ રસીકરણ અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. 

જેમાં ૧૭ સપ્ટેમ્બર મહા મમતા દિવસ: સગર્ભા માતાઓનું ટી.ડી. રસીકરણ, તા.૨૦ સપ્ટેમ્બર પંચગુણી રસીકરણ, તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૫ પોલિયો રસીકરણ, તા.૨૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ઓરી અને રૂબેલા રસીકરણ, તા.૧ ઑક્ટોબર ૨૦૨૫ મહા મમતા દિવસની તેમજ બિનચેપી રોગોનું વિનામૂલ્ય નિદાન અંગેની ઉજવણી કરવામાં આવશે. 

માતા અને બાળકના સ્વસ્થ જીવન તથા રોગપ્રતિકારક શક્તિ માટે દરેક રસી અનિવાર્ય છે. રસીકરણથી બાળકને અનેક ગંભીર બીમારીઓથી રક્ષણકવચ મળે છે. આ પખવાડિયા અંર્તગત સગર્ભા માતાઓ અને બાળકોમાં વિવિધ પ્રકારના રોગો સામે રક્ષણ અને રસીકરણના મહત્વ અંગે જન-જાગૃતિ લાવવામાં આવશે. રસીકરણથી વંચિત માતાઓ અને બાળકોએ નજીકના આયુષ્યમાન આરોગ્ય મંદિર અથવા આરોગ્ય કર્મચારી અથવા આશા બહેનનો સંપર્ક કરવા તેમજ  આ અભિયાનમાં તમામ માતાઓ, બાળકો તથા લાભાર્થીઓને સહભાગી થવા જિલ્લા રસીકરણ અધિકારી  બી.બી.કરમટા દ્વારા જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખાની યાદીમાં અનુરોધ કરવામાં આવેલ છે.

(4:52 PM IST)