<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

હળવદ યાર્ડમાં મગફળીના નીચા ભાવને લઈને ખેડૂતોનો હલ્લાબોલ હરરાજી બંધ કરાવીઃ નવી જાહેરાત નો થાય ત્‍યાં સુધી આવક બંધ

 

(દીપક જાની દ્વારા ) હળવદ તા.૧૭: હળવદ માર્કેટ યાર્ડમાં ગઈકાલે મગફળીની હરરાજી થતાની સાથે જ યોગ્‍ય ભાવ ન મળતા હોવાને લઈ ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો મચાવ્‍યો હતો. સાથે જ યાર્ડમાં મગફળીની હરરાજી બંધ કરાવી હતી. તો બીજી તરફ આવકને ધ્‍યાને લઈ યાર્ડ દ્વારા નવી જાહેરાત ન થાય ત્‍યાં સુધી મગફળીની નવી આવક પણ બંધ ક૨વામાં આવી છે.

હળવદ માર્કેટ યાર્ડમાં મગફળીની આવકમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. અને દરરોજ ૧૫ હજારથી વધુ મણ મગફળીની આવક થઈ રહી છે. ગઈકાલે મગફળીનો જે ભાવ બોલાઈ રહ્યો હતો. તેનાથી ઓછો આજે ભાવ બોલાતા ખેડૂતો નારાજ થયા હતા અને હોબાળો મચાવ્‍યો હતો. સાથે જ યોગ્‍ય ભાવ ન મળે ત્‍યાં સુધી મગફળીની હરરાજી બંધ કરાવી છે.

ખેડૂતો કહી રહ્યા છે કે ગઈકાલ ક૨તાં  એક મણના ૨૦૦ થી ૨૫૦ રૂપિયા સુધીનો ભાવ ઘટાડો છે. આજે ૮૦૦ થી માંડી ૧૧૦૦ રૂપિયા સુધીનો જ ભાવ ખેડૂતોને અપાઈ રહ્યો છે. જ્‍યારે ગઈકાલે ૯૦૦થી માંડી ૧૩૦૦ રૂપિયા સુધીનો ભાવ હતો. જેથી ખેડૂતોની માંગ છે કે નીચામાં નીચો બારસો રૂપિયાનો ભાવ  થાય તો જ હરરાજી કાર્ય ચાલુ થવા દઈશુ નહીંતર હરરાજી બંધ રહેશે.(૨.૭)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

(10:31 AM IST)