<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રાજસ્‍થાનનાં જોધપુરમાં નવનિર્મિત બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરના ઙ્કતિષ્ઠા મહોત્‍સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં

આગામી ૨૫ સપ્‍ટેમ્‍બરે મૂર્તિ પ્રતિષ્ઠા, ૨૩ સપ્‍ટેમ્‍બરે વિશ્વશાંતિ મહાયજ્ઞ, ૨૪ સપ્‍ટેમ્‍બરે ભવ્‍ય શોભાયાત્રાનું આયોજનઃ સંતો અને હરિભકતો ઉમટશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૭ :.. રાજસ્‍થાનના જોધપુર શહેરમાં કાલીબેરી, સુરસાગર સ્‍થિત નવનિર્મિત બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિરની તૈયારીઓ હવે અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે. આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ આગામી ૨૫ સપ્‍ટેમ્‍બરના રોજ બી.એ.પી.એસ. સંસ્‍થાના વડા અને આધ્‍યાત્‍મિક ગુરુ પરમ પૂજ્‍ય મહંત સ્‍વામી મહારાજના કરકમળો દ્વારા સંપન્ન થવા જઈ રહ્યો છે. આ મહોત્‍સવ નિમિત્તે ગુરૂહરિ મહંત સ્‍વામી મહારાજનું ૧૯ સપ્‍ટેમ્‍બરે જોધપુર શહેરમાં આગમન થશે અને તેઓ ૧૦ દિવસ સુધી જોધપુર મુકામે બિરાજી સત્‍સંગલાભ આપશે.

આ ભવ્‍ય મંદિરના ઉદ્દઘાટન સમારોહના ઉત્‍સવમાં માત્ર રાજસ્‍થાન કે ભારતમાંથી જ નહીં, પરંતુ અમેરિકા, ઇંગ્‍લેન્‍ડ, ફ્રાન્‍સ, ઓસ્‍ટ્રેલિયા અને આફ્રિકાના વિવિધ દેશોમાંથી મોટી સંખ્‍યામાં હરિભક્‍તો આ ઙ્કતિષ્ઠા મહોત્‍સવમાં ભાગ લેવા પધારશે.

આ સંપૂર્ણ વ્‍યવસ્‍થાને સુચારુ રૂપથી ચલાવવા માટે અહીં અનેક સેવા વિભાગોની રચના કરવામાં આવી છે. મંદિરમાં હાલ લગભગ ૩૫ જેટલા વિવિધ સેવા વિભાગો કાર્યરત છે, જેમાં ર્પાકિંગ વ્‍યવસ્‍થા, સભા વ્‍યવસ્‍થા, સુશોભન વ્‍યવસ્‍થા, ટ્રાન્‍સપોર્ટ વ્‍યવસ્‍થા, પ્રેસ વ્‍યવસ્‍થા, પૂછપરછ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ વિભાગોના લગભગ ૧૦૦૦ જેટલા પુરુષ અને મહિલા સ્‍વયંસેવકો પૂરા સમર્પણભાવ સાથે પોતપોતાના ક્ષેત્રમાં સેવા કરી રહ્યા છે. શહેરના વહીવટીતંત્રે પણ વ્‍યવસ્‍થામાં પ્રશંસનીય સહયોગ આપ્‍યો છે.

પૂ. જ્ઞાનાનંદદાસ સ્‍વામીએ જણાવ્‍યું કે, ‘આ મંદિર સનાતન ધર્મ અને પ્રાચીન ભારતીય સંસ્‍કળતિનું ગૌરવ બની રહેશે જેના નિર્માણમાં હાલ બધા ભક્‍તો કેવળ ભગવાન અને ગુરુજી ઙ્કત્‍યેના સમર્પણ ભાવથી સેવા કરી રહ્યા છે.'

અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા ઉત્‍સવ પૂર્વે ૨૩ સપ્‍ટેમ્‍બરના રોજ એક વિરાટ વિશ્વશાંતિ મહાયજ્ઞ સંપન્ન થશે, જેમાં દેશ-વિદેશથી આવેલા યજમાન ભક્‍તો લાભ લેશે. આ યજ્ઞમાં સમગ્ર વિશ્વમાં શાંતિ પ્રસરે એ માટે પ્રાર્થના કરી, હોમ અર્પણ કરવામાં આવશે. ૨૪ સપ્‍ટેમ્‍બરના રોજ બપોરે ૨ વાગ્‍યાથી મંદિરમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓની ભવ્‍ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું છે, જેમાં હજારોની સંખ્‍યામાં ભક્‍તો ભાગ લેશે. ૨૫ સપ્‍ટેમ્‍બરે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. આ મંદિર જોધપુર શહેરીજનો માટે એક અનોખી ભેટ બની રહેશે.

(11:04 AM IST)