News of Wednesday, 17th September 2025
જામનગર-રાજકોટમાંથી ૧૦ વાહનો ચોર્યાઃ વેંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે જયમલ-લખમણને પકડયા
હેન્ડલ લોક ન હોય તેવા વાહનો વધુ ઉપાડતાં: લોક ખોલવા સાથે ત્રણ ચાર ચાવી પણ રાખતાં: નરસંગપરા આસપાસ છુપાવેલા ૨.૫૭ લાખના વાહનો કબ્જે કરવામાં આવ્યા પોરબંદર દેગામનો વતની જયમલ અને દ્વારકા ખીરસરાનો વતની લખમણ બંને અગાઉ છ-છ ગુનામાં સામેલઃ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બસીયાની રાહબરીમાં પીઆઇગોંડલીયા, પીઆઇ ડામોર, પીઆઇ જાદવ અને પીએસઆઇ ગરચરની ટીમની કામગીરી એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્સ. ધર્મરાજસિંહ રાણા, જીલુભાઇ ગરચર, મનીષભાઇ ચાવડાની બાતમી

રાજકોટ તા. ૧૭: શહેર ક્રાઇમ બ્રાંચે વાહનોની ચોરીઓનો ભેદ ઉકેલી પોરબંદરના દેગામના એક શખ્સ અને દેવભુમિ દ્વારકાના ખીરસરા ગામના એક શખ્સને રાજકોટમાંથી પકડી લીધા છે. એક ચોરાઉ વાહન સાથે આ બંને મિત્રોને પકડી લેવાયા બાદ પુછતાછ થતાં બંનેએ મોજશોખ પુરા કરવા જામનગર-રાજકોટમાંથી ૧૦ ટુવ્હીલર ચોરી લીધાનું કબુલ્યું હતું. નરસંગપરા વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ આ વાહનો રેઢા મુકી દીધા હતાં. જેને વેંચવાની બંને પેરવી કરતા હતાં. પણ એ પહેલા પકડાઇ ગયા હતાં.
વાહનચોરી, ઘરફોડ ચોરી તેમજ ચીલઝડપ સહિતના ગુનાઓ અનડીટેક્ટ હોય તો ઉકેલી કાઢવા સુચના મળી હોઇ ક્રાઇમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ સમીરભાઇ શેખ, કોન્સ. ધર્મરાજસિંહ રાણા, જીલુભાઇ ગરચર અને મનિષભાઇ ચાવડાને બાતમી મળતાં બે શખ્સ જયમલ મુરૂભાઇ સુંડાવદરા (ઉ.વ.૨૬-રહે. દેગામ તા. પોરબંદર) અને લખમણ અરભમભાઇ ખુંટી (ઉ.વ.૨૨-રહે. ખીરસરા તા. કલ્યાણપુર જી. દેવભુમિ દ્વારકા)ને એક વાહન સાથે પકડી લીધા હતાં. આ બંને પાસેનું વાહન ચોરાઉ હોવાની પાક્કી માહિતી હોઇ વિશેષ પુછતાછ કરતાં બંનેએ આ સિવાય પણ બીજા ૯ વાહનો ચોરી કર્યાનું અને નરસંગપરા પાસે અવાવરૂ જગ્યાએ છુટા છુટા રેઢા મુકી દીધાનું કબુલ્યું હતું.
પોલીસે તપાસ કરતાં બીજા ન વાહનો જેમાં હોન્ડા પેશન, હોન્ડા પ્લસ, બજાજ પલ્સર, કાળુ હોન્ડા પ્લસ, બીજા છ સ્પ્લેન્ડર કબ્જે કર્યા હતાં. આ વાહનોની કિંમત રૂા. ૨,૫૭,૦૦૦ થાય છે.
જયમલ સુંડાવદરા છુટકડ્રાઇવીંગક રે છે. તે અગાઉ કલ્યાણપુર, પોરબંદર ઉદ્યોગનગર, મરીન, કમલાબગા, બગવદર સહિત છ પોલીસ સ્ટેશનોમાં ચોરી, દારૂના છ ગુનામાં પકડાયો હતો. જ્યારે લખમણ ખુંટી ખેત મજૂરી કરે છે. તે અગાઉ કલ્યાણપુર, બગવદર, રાણાવાવ,માં ચોરી, જાહેરનામા ભંગ સહિત છ ગુનામાં પકડાયો હતો. બંનેને મોજશોખ કરવા માટે પૈસાની જરૂર હોઇ વાહનો ઉઠાવ્યા હતાં. સસ્તા ભાવે વેંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે પકડી લીધા હતાં.
આ બંને એક વાહન પર નીકળતાં હતાં અને રેકી કરી જે બાઇક હેન્ડલ લોક વગરના હોય તે ઉઠાવી લેતાં હતાં. ઉપરાંત સાથે અલગ અલગ ચાર પાંચ ચાવી રાખતાં હતાં. તેનો ઉપયોગ પણ વાહન ચોરવામાં કરતાં હતાં. કબ્જે થયેલા દસ વાહનો અંગે જામનગરના પડાણા પોલીસ સ્ટેશનમાં ચાર, સી ડીવીઝનમાં ત્રણ અને રાજકોટ તાલુકા, બી-ડિવીઝન, ગાંધીગ્રામમાં એક એક મળી કુલ દસ ગુના દાખલ થયા હતાં. આ દસેય વાહનચોરી ડિટેક્ટ થઇ છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. અસ. ગરચર, એએસઆઇ અનીલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, કોન્સ. જીલુભાઇ ગરચર, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, મનિષભાઇ ચાવડા, અશ્વનીભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
