<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

મોરબીમાં આઇટી દરોડાના બીજા દિવસે કરોડોના બિનહિસાબી વ્યવહારો સામે આવ્યા!

સામાન્ય કર્મચારીના નામે ભાડે રાખવામાં આવેલ ફ્લેટમાંથી થોકબંધ સાહિત્ય મળી આવ્યું : વિદેશ કામ અર્થે ગયેલા કંપનીના મુખ્ય પાર્ટનરોને મોરબી પરત બોલાવવામાં આવ્યાઃ રૃા.૧૦ કરોડની રોકડ મળી આવી!

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૮:મોરબીના જાણીતા લીવા, લેવિસ અને મેટ્રો સહિતના સીરામીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર બીજા દિવસે પણ ઈન્કમટેકસની તવાઈ સતત ચાલુ રહી હતી. ઇન્કમટેકસના ૧૫૦થી વધુ કર્મચારીઓની ફૌજને દરોડા દરમિયાન બહુ મોટી સફળતા મળી હોવાનું અને પ્રાથમિક તબક્કે જ ૧૦૦ કરોડથી વધુના બિનહિસાબી વ્યવહારો રડારમાં આવી ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સાથે જ ૧૦ કરોડ જેટલી રોકડ પણ મળી આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

રાજકોટ ઈન્કમટેકસની ટીમોએ મંગળવારે વહેલી પરોઢથી સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલ મોરબીના લીવા, લેવિસ, મેટ્રો, ઈડનહિલ સહિતના ગ્રુપના વિવિધ ૪૦ જેટલા સ્થળોએ રાજકોટ, અમદાવાદ ઉપરાંત સુરત ઈન્કમટેકસની ટીમોને મેદાને ઉતારી દરોડા પાડયા હતા જેમાં રાજકોટથી મોટા પ્રમાણમાં રોકડ મળી આવ્યા બાદ મોરબીમાં પણ રોકડ મળી આવી હોવાનું અને પ્રાથમિક તપાસમાં કુલ દસેક કરોડની રોકડ ઝડપાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, ઈન્કમટેકસના આ દરોડા પાછળ સીરામીક કંપનીના વ્યવહારોની સાથે જમીન મકાનમાં કરવામાં આવેલ મોટા રોકાણ ઉપરાંત જમીન મકાનની મોટા પ્રમાણમાં કરવામાં આવેલ ખરીદ વેચાણના વ્યવહાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જમીન મકાનના ધંધામાં મોટા પ્લેયર હોવાથી અનેક સ્થળોએ બિનહિસાબી વ્યવહાર થયા હોવાનું આઈટીની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

બીજીતરફ મોરબીમાં દરોડા દરમિયાન રવાપર રોડ ઉપર સામાન્ય કર્મચારીના નામે ફ્લેટ ભાડે રાખી લિવા લેવિસ ગ્રુપ દ્વારા અહીંથી જ તમામ જમીન મકાનના ધંધાનું સંચાલન થતું હોવાનું તપાસમાં સામે આવતા ઈન્કમટેકસ વિભાગે અહીં ઓપરેશન પાર પાડી મોટી રકમના વ્યવહારોના અંકોડા મેળવવાની સાથે થોકબંધ સાહિત્ય પણ કબ્જે કર્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સાથે જે કંપનીમાં દરોડા પાડ્યા છે તેમાં સાહિત્યની સાથે ટાઇલ્સના સ્ટોકની ગણતરી પણ કરવામાં આવી રહી છે તેમજ તેમના મુખ્ય સંચાલક ઉદ્યોગકારો જે વિદેશ કામ અર્થે ગયા તેમને તાત્કાલિક મોરબી પરત બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળા રહ્યું છે. દરોડાની કાર્યવાહી હજુ પણ લાંબો સમય ચાલુ રહેવાના સંકેત ઈન્કમટેકસ વિભાગના સૂત્રોએ આપ્યા હતા.

(12:02 PM IST)