News of Friday, 19th September 2025
રતનપરનો બાઇકસ્વાર યુવાન ચપલા સાથે પકડાયા બાદ લખતર પંથકમાં દરોડો પાડતા સપ્લાયરના મકાનમાંથી પોણા ત્રણ લાખનો દારૂ કબ્જે
મુંબઇથી ટ્રોલીબેગમાં દારૂ લાવેલ મહિલા ટ્રેનમાં આવતા ઝડપાઇ ગઇ

વઢવાણ, તા.૧૯:સુરેન્દ્રનગર એલસીબી ટીમે રતનપરના યુવાનને બાઈક પર પસાર થતા દારૂ સાથે પકડી પાડયો હતો. આ શખ્સ લખતરના તલવણીના યુવાન પાસેથી દારૂ લાવ્યો હોવાનું ખુલતા તેના રહેણાક મકાને રેડ પાડી દારૂ જપ્ત કરાયો હતો. બીજી તરફ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનના ટ્રાફીક યાર્ડમાંથી વિદેશી દારૂ ભરેલી ટ્રોલી બેગ સાથે મહિલા પકડાઈ હતી. ત્રણેય દરોડામાં પોલીસે ૩ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના અજયસિંહ, અશ્વીનભાઈ સહિતનાઓ શહેરમા પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં રતનપરની ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતો અજય રમણીકભાઈ પરમાર વિદેશી દારૂ બાઈક લઈને ગણપતી ફાટસર રોડ પર નીકળનાર હોવાની બાતમી મળતા વોચ રખાઈ હતી. જેમાં ૫ બોટલ અને ૪૮ ચપલા સહિત રૂપીયા ૧૮,૭૦૦ની મત્તા સાથે પકડાયો હતો. તે દારૂ લખતર તાલુકાના તલવણી ગામના વીકી સાગરભાઈ ચોવસીયા પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે વઢવાણ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.
જયારે એલસીબી ટીમે લખતર તાલુકાના તલવણી ગામે વીકી ચોવસીયાના રહેણાક મકાને રેડ કરી હતી. જેમાં તેના મકાન પાસે આવેલ પડતર મકાનમાંથી ૨,૭૬,૬૫૦નો દારૂ પકડાયો હતો. આ દરોડામાં આરોપી વીકી ચોવસીયા હાજર ન મળી આવતા તેની સામે વધુ તપાસ હાથ ધરાઈ છે.
સુરેન્દ્રનગર રેલવે પીએસઆઈ સી.પી.બાવળીયાની સુચનાથી સ્ટાફના યુવરાજસિંહ ઝાલા, અલ્પેશભાઈ સહિતનાઓ રેલવે સ્ટેશને પેટ્રોલીંગ કરી રહ્યા હતા. તા.૧૭-૯ના રોજ રાત્રે મુંબઈથી પોરબંદર જતી સૌરાષ્ટ્ર એકસપ્રેકસ ટ્રેનમાં વાદળી કલરની ટ્રોલીબેગ સાથે ઉતરેલ મહિલા પાસે દારૂ હોવાની બાતમી તેઓને મળતા ટ્રાફીક યાર્ડમાં વોચ રખાઈ હતી. જેમાં બાતમીવાળી મહિલા આવતા તેને રોકી પુછપરછ કરત તે મુળ જોરાવરનગરના મચ્છોનગરની અને હાલ રતનપરની અવધેશ્વર ટાઉનશીપમાં રહેતી ૫૨ વર્ષીય હંસાબેન અમરૂભાઈ વાળા હોવાનું જણાવ્યુ હતુ. જયારે ટ્રોલીબેગની તપાસ કરતા તેમાંથી ૪૮ ચપલા કિંમત રૂપીયા ૪૮૦૦નો દારૂ ઝડપાયો હતો. આથી આ મહિલા સામે પ્રોહીબીશન મુજબ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.
કોઠારિયા ગામે નજીવી વાતમાં માર માર્યો
વઢવાણ તાલુકાના કોઠારીયા ગામે રહેતા ૪૫ વર્ષીય દશરથભાઈ સુખાભાઈ હડીયલ દુધની ડેરી ચલાવે છે. તા. ૧૨-૯ના રોજ બપોરના સમયે તેમનો દિકરો કૌશીક કાર લઈને ઘર તરફ આવતો હતો. ત્યારે રસ્તામાં ગામના પ્રહલાદ રામજીભાઈ ખટાણાએ તેની કાર કૌશીકની કાર સામે મુકી દઈ બોલાચાલી કરી હતી. ઘરે આવી દિકરાએ આ વાત કરતા દશરથભાઈ પ્રહલાદને સમજાવવા ગયા હતા. આ વાતનું બન્ને વચ્ચે મનદુઃખ હતુ.ત્યારે તા. ૧૨ના રોજ રાત્રે દશરથભાઈ તેમના પત્ની સાથે ગામમાંથી પસાર થતા હતા ત્યારે પ્રહલાદે તેમને અપશબ્દો કહ્યા હતા. આથી દશરથભાઈએ અપશબ્દો કહેવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રહલાદ, વંશ પ્રહલાદભાઈ ખટાણા અને સુરેશ ઉર્ફે બાબુ ભરતભાઈ કડે એક સંપ કરી દશરથભાઈને લાકડી અને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેમાં દશરથભાઈને સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે વઢવાણ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે.
(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
