<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th September 2025

રાત્રે ગિરનાર પર ૧, જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૦: રાત્રે વંથલીમાં ૨, ગિરનાર પર ૧, જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ બાદ આજે સવારે બીજા દિવસે એકંદરે વાતાવરણ રાત્રે વંથલીમાં ૨, ગિરનાર પર ૧, જૂનાગઢમાં અડધો ઇંચ વરસાદ બાદ બીજા દિવસે એકંદરે વાતાવરણ સામાન્‍ય રહ્યું હતું પરંતુ બફારો વધતા લોકો પરેશાન થઈ ગયા હતા. લાંબા સમયના વિરામ બાદ શનિવારની રાત્રે જુનાગઢ સહિતના વિસ્‍તારોના વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્‍યો હતો. ચોમાસાના વિદાયની ગણાતી ઘડીઓ વચ્‍ચે ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા વચ્‍ચે મેઘસવારી આવી પહોંચી હતી. જૂનાગઢમાં રાત્રે ૧૦ વાગ્‍યાથી જોરદાર વરસાદ શરૂ થતા માર્ગો પરથી પાણી વહેતા થઈ ગયા હતા. અને કેટલાક રસ્‍તાઓ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડ્‍યો હતો.

ઓચિંતા વરસાદથી શહેરીજનો બાનમાં મુકાઈ ગયા હતા. શહેરમાં જ્‍યાં રસ્‍તાનું પેચ વર્ક કરવામાં આવ્‍યું નથી. એવા માર્ગો પર પાણીની રેલમછેલ થતા મૂળની હાલત વધુ દયાજનક થઈ ગઈ હતી. થોડીવાર માટે શહેરમાં મેઘ તાંડવ સર્જાયું હતું પરંતુ જૂનાગઢમાં ૧૦ મીમી પાણી પડ્‍યાનું નોંધાયું હતું.

ગિરનાર પર્વત પર પણ રાત્રે મેઘરાજા તૂટી પડ્‍યા હતા. ગાજવીજ સાથે મેઘ સવારી આવી પહોંચતા રાત્રિના ગિરનાર પર્વત ખાતે ૨૮ મીમી વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના વંથલી પંથકમાં પણ મેઘરાજાએ જતા જતા વ્‍હાલ વરસાવ્‍યું હતું. વંથલી ખાતે રાત્રિના ૧૦ થી ૧૨ દરમિયાન ૨૭ અને રાત્રિના ૧૨ થી ૨ વચ્‍ચે ૧૯મી વરસાદ થયો હતો. જ્‍યારે જિલ્લાના અન્‍ય વિસ્‍તારોમાં નોંધપાત્ર વરસાદના વાવડ મળ્‍યા ન હતા.

દરમિયાન આજે સવારથી વાતાવરણ એકંદરે સામાન્‍ય રહેવાની સાથે લઘુતમ તાપમાન વધીને ૨૫ ડિગ્રી નોંધાયું હતુ. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહેતા સવારથી બફારો વધ્‍યો હતો.

(1:22 PM IST)