હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ધ્રોલમાં રસ્તાની બિસ્માર હાલત અને જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં તેનો કાટમાળ હજુ રોડ ઉપર ફેલાયેલો હોવાથી જનતા ત્રાહિમામ: શહેર કોંગ્રેસે માર્ગ-મકાન વિભાગને આવેદનપત્ર આપ્યુ
રસ્તાની ખરાબ હાલતને કારણે ઉડતી ધૂળ આસપાસની દુકાનોમાં ફેલાતા સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર : માર્ગ અને મકાન વિભાગને અનેકવાર મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૦
ધ્રોલ શહેરમાં ત્રિકોણબાગથી જોડીયા તરફ જતો મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત ખરાબ હાલતમાં છે. અને ધ્રોલ કાપડ બજારમાં આવેલું માર્ગ અને મકાન વિભાગનું જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થતાં તેનો કાટમાળ રસ્તા પર ફેલાઈ ગયો છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ બંને સમસ્યાઓ અંગે તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગ ઊઠી છે.
ધ્રોલના ત્રિકોણબાગથી જોડીયા તરફ જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી એટલી ખરાબ હાલતમાં છે કે વાહનચાલકો અને રાહદારીઓ માટે તે જીવલેણ બની ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ પડી ગયા છે, જેના કારણે રોજિંદા અકસ્માતો થઈ રહ્યા છે. સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, "આ રસ્તા પરથી પસાર થતાં અનેક વ્યક્તિઓ પડી જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે." આ ઉપરાંત, રસ્તાની ખરાબ હાલતને કારણે ઉડતી ધૂળ આસપાસની દુકાનોમાં ફેલાય છે અને સ્થાનિક લોકોના આરોગ્ય પર પણ ગંભીર અસર કરી રહી છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગને અનેકવાર મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
ધ્રોલ કાપડ બજારમાં માર્ગ અને મકાન વિભાગની માલિકીનું એક જૂનું અને જર્જરિત બિલ્ડિંગ પડી ગયું છે. આ બિલ્ડિંગનો કાટમાળ રસ્તા પર ફેલાઈ જતાં અવર-જવર મુશ્કેલ બની ગઈ છે. આ ઘટનામાં કેટલાક ટુ-વ્હીલર વાહનો પણ દટાઈ જતાં ભારે નુકસાન થયું છે. સ્થાનિકોની માંગ છે કે આ કાટમાળને તાત્કાલિક સાફ કરવામાં આવે અને જે લોકોને આ ઘટનાથી નુકસાન થયું છે, તેમને વળતર ચૂકવવામાં આવે આ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા માર્ગ મકાન વિભાગ ને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી આતકે ધ્રોલ નગરપાલિકાના વિરોધ પક્ષ નેતા અદનાન ઝન્નર, શહેર કોંગ્રેસ પ્રમુખ મનસુખભાઈ પરમાર, મહામંત્રી હેમંતભાઈ ચાવડા, કોર્પોરેટર ફારુખભાઈ વિરાણી, અનિલભાઈ પરમાર, મનુભાઈ ચાવડા, રાજેશભાઈ વાઘેલા, વિજયભાઈ રાઠોડ, સચીનભાઈ સોલંકી, ફારુખભાઈ મેમણ, કાદરશા શાહમદાર, મિહિરભાઈ ચાવડા સહિત અનેક કોંગ્રેસ આગેવાનો હાજર રહ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
