<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

અમરેલીના પ્રતિભાશાળી રમતવીરો સાથે પ્રેરક સંવાદ સાધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમર્થ વ્યાયામ મંદિરના બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી

જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર સમર્થ વ્યાયામ મંદિરના પ્રતિભાશાળી રમતવીરોનું સન્માન : “અમદાવાદ ખાતે વૈશ્વિક કક્ષાની સુવિધા સાથે આકાર પામેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નવા ભારતનું ગૌરવ” : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

અમરેલી તા. ૨૧ 

 અમરેલીના સુખનિવાસ કોલોની રોડ સ્થિત સમર્થ વ્યાયામ મંદિર (અખાડા) ખાતે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રતિભાશાળી રમતવીરો સાથે  પ્રેરક સંવાદ સાધ્યો હતો. 

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે બેડમિન્ટન, ક્રિકેટ સહિતની રમતોના રમતવીરો સાથે સંવાદ સાધતા કહ્યું હતું કે, ખેલ મહાકુંભ સહિતના આયોજનો થકી રમતવીરોને મંચ મળી રહ્યું છે. ભારતના ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું ગૌરવ વધારી રહ્યા છે.   મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધા સાથે આકાર પામેલ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની રમતવીરોને અચૂક મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.  

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમર્થ વ્યાયામ મંદિર ખાતે બેડમિન્ટન કોર્ટ અને પરિસરની મુલાકાત લીધી હતી. જિલ્લાથી રાષ્ટ્રીય કક્ષા સુધી વિવિધ રમતમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર પ્રતિભાશાળી રમતવીરોનું શિલ્ડ મોમેન્ટો એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજભાઈ મહેતા અને  રામજીભાઈ કમાણીના પરિવારે વર્ષ ૧૯૪૦માં સમર્થ વ્યાયામ મંદિરના નિર્માણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. જેમાં બેડમિન્ટન કોર્ટ, ક્રિકેટ એકેડેમી, જીમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. અહીં શહેરના રમતવીરો દોડ સહિતની તાલીમ મેળવી શકે છે. 

આ તકે અનુકંપા ફાઉન્ડેશનના પ્રમુખ  ડો.ભરતભાઈ કાનાબાર, સમર્થ વ્યાયામ મંદિર ટ્રસ્ટીમંડળના સર્વ સભ્યશ્રીઓ, સાંસદ ભરતભાઈ સુતરિયા, જિલ્લાના ધારાસભ્યો કૌશિકભાઈ વેકરિયા,  જે.વી.કાકડીયા,  જનક તળાવીયા, મહેશ કસવાલા,  હિરાભાઈ સોલંકી સહિતના પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.(-ધર્મેશ વાળા- માહિતી ખાતુ અમરેલી)        

(5:37 PM IST)