News of Monday, 22nd September 2025
નવાગામ આણંદપરમાંથી ૧૧ વર્ષનો ક્રિષ્ના ગૂમઃ અપહરણનો ગુનો નોંધાયો
પિતાએ તળાવ રોડ પર ચારસો રૂપિયા આપી ઝૂપડે જવા મોકલ્યોઃ બાદમાં પિતા રાતે બહાર બાકડે સુઇ ગયેલઃ સવારે ઝૂપડામાં જોતાં દિકરો નહોતો

રાજકોટ તા. ૨૨: નવાગામ આણંદપરમાં આવેલા મંદિર પાસે ઝૂપડામાં રહી મજૂરી કરતાં મુળ દાહોદના યુવાનનો ૧૧ વર્ષ ૫ મહિનાની ઉમરનો દિકરો ક્રિષ્ના ગાયબ થઇ જતાં પોલીસને જાણ કરી છે. આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે હાલ નવાગામ આણંદપર તળાવ રોડ પર નવદુર્ગા મંદિર અંદર ઝૂપડામાં રહેતાં મુળ દાહોદના પ્રતાપભાઇ ઉર્ફ પરેશભાઇ જેસીંગભાઇ ડામોર (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી યુવાનની ફરિયાદ પરથી તેના દિકરાના અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
યુવાન અહિ રહીને હાલ પંચાયતનું કામ ચાલુ છે ત્યાં છુટક મજૂરી કરે છે. તેણે જણાવ્યું છે કે મારે સંતાનમાં એક દિકરો ૧૧ વર્ષનો છે. પત્નિ સાથે મેં ત્રણ વર્ષ પહેલા છુટાછેડા લીધા છે. તા. ૧૫/૯ના રોજ મારો દિકરો ક્રિષ્ના અને હું બંને બેડલા ગામથી રિક્ષામં બેસી નવાગામ મારા ઝુપડે આવ્યા હતાં. સાંજે આઠેક વાગ્યે હું અને દિકરો ચાલીને તળાવ રોડ પર બાપા સિતારામના ઓટા પર ગયા હતાં. મારી પાસે સાદો મોબાઇલ ફોન હોય તે મારો દિકરો વાપરતો હતો. આ ફોન બંધ થઇ ગયો હોઇ દિકરો અવાર-નવાર નવો ફોન લઇ દેવાનું કહેતો હતો. જેથી હું તેને પગાર થશે ત્યારે ફોન લઇ આપીશ તેમ કહેતો હતો. દરમિયાન મેં પગાર થાય એટલે મારા આ દિકરાને અમદાવાદ મારા બહેન રહે છે ત્યાં મુકવા જવાનું પણ નક્કી કર્યુ હતું. આ વાતની મારા દિકરાને પણ ખબર હતી. બાદ અમે નાવગામ આણંદપરની હોટલે આવ્યા ત્યારે સુપરવાઇઝર પાસેથી મારે મજુરીના રૂા. ૪૦૦ લેવાના હોય તે લઇને મારા દિકરાને આપ્યા હતાં અને ઘરે જવા કહ્યું હતું. તેમજ હું થોડીવારમાં આવુ છું તેમ તેને જણાવ્યું હતું. બાદ રાતે દસેક વાગ્યે હું ઝુપડે ગયો ત્યારે દિકરો ઝૂપડામાં સુતો હશે તેમ માની હું જોવા ગયા નહોતો. હું બહાર બાંકડા પર સુઇ ગયો હતો. ૧૬મીએ સવારે પાંચેક વાગ્યે જાગીને જોતાં મારો દિકરો ઝૂપડામાં નહોતો. આસપાસમાં તપાસ કરતાં તે મળી આવ્યો નહોતો. વતનમાં તથા મારા સાળા સહિતને અને સાસુને પણ પુછતાછ કરી હતી. પરંતુ મારો દિકરો કોઇ પાસે નહોતો. ઘરમેળે શોધખોળ કર્યા બાદ પોલીસને જાણ કરી હતી.
કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ પી.આર. મકવાણાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
