<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

સ્‍વદેશી અભિયાન એ આત્‍મનિર્ભર ભારત બનાવવાનો મુખ્‍ય પાયો અને સિધ્‍ધાંત છે : ભુપેન્‍દ્રભાઇ પટેલ

અમરેલીમાં ટાવર ચોક ખાતેથી ‘સ્‍વદેશી અભિયાન'ને પ્રેરણાબળ પૂરું પાડતા મુખ્‍યમંત્રી : ૬ થી ૭ દુકાનોમાં પ્રતિકાત્‍મક સ્‍વદેશી અભિયાનના સ્‍ટીકર લગાવી વેપારીઓ સાથે સહજભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતાં ઉત્‍પાદનો વિશે જાણકારી મેળવી : આગામી નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારોમાં ધૂમધામથી ખરીદી કરતી વખતે માત્ર સ્‍વદેશી વસ્‍તુઓને જ પ્રાધાન્‍ય આપીએ : વેપારીઓએ માત્ર સ્‍વદેશી બનાવટની જ વસ્‍તુઓ વેચવાનો અને ગ્રાહકોએ ખરીદવાનો આગ્રહ રાખવોઃ મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૨૨: મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે અમરેલીના ટાવર ચોક ખાતે ‘સ્‍વદેશી અભિયાન' અંગે પ્રેરણાબળ પૂરું પાડ્‍યું હતું. આ તકે મુખ્‍યમંત્રીશ્રીએ ટાવર ચોકમાં આવેલી ૬ થી ૭ દુકાનોમાં પ્રતિકાત્‍મક સ્‍વદેશી અભિયાનના સ્‍ટીકર લગાવી વેપારીઓ સાથે સહજભાવે વાતચીત કરી તેમના દ્વારા વેચાતાં ઉત્‍પાદો વિશે જાણકારી મેળવી હતી. આ અભિયાનનો મુખ્‍ય ઉદ્દેશ સ્‍થાનિક ઉત્‍પાદનો અને સ્‍વદેશી ચીજવસ્‍તુઓના ઉપયોગને પ્રોત્‍સાહન આપવાનો છે, જેનાથી દેશની આર્થિક પ્રગતિને વેગ મળે અને ભારત આત્‍મનિર્ભર બનવા તરફ અગ્રેસર બને. 

આ તકે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ‘આત્‍મનિર્ભર ભારત' બનવાના આહ્વાનને સાકાર કરવા માટે સ્‍વદેશી વસ્‍તુઓનો ઉપયોગ કરવો એ એકમાત્ર અને મૂળભૂત રસ્‍તો છે. તેમણે સ્‍પષ્ટ કર્યું કે, ‘સ્‍વદેશી અભિયાન' એ આત્‍મનિર્ભર ભારત બનાવવાનો મુખ્‍ય પાયો અને સિદ્ધાંત છે. દેશ માટે અને દેશદાઝ માટેના આ કાર્યમાં સૌનો સહયોગ જરૂરી છે અને ખાસ કરીને વેપારી સંગઠન આ અભિયાનમાં જોડાય ત્‍યારે તેની ગતિ બમણી થઈ જાય છે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે વ્‍યાપારી સંગઠનો દ્વારા બનાવાયેલા આત્‍મનિર્ભર ભારતના લોગોનું અનાવરણ કર્યું હતું. ઉપસ્‍થિત જુદાજુદા વ્‍યાપારી સંગઠનો દ્વારા મુખ્‍યમંત્રીશ્રીનું મોમેન્‍ટો, પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

આ કાર્યક્રમમાં ધારાસભ્‍ય અને નાયબ મુખ્‍ય દંડક  કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્‍યો જે. વી. કાકડિયા,  મહેશ કસવાલા,  જનકભાઈ તળાવીયા,  હિરાભાઈ સોલંકી, અગ્રણી  નારણભાઈ કાછડીયા,  બાવકુભાઈ ઉંધાડ સહિતના પદાધિકારીશ્રીઓ, જુદાજુદા વેપારી મંડળોના પ્રતિનિધિશ્રીઓ, સભ્‍યશ્રીઓ અને મોટી સંખ્‍યામાં નાગરિકો ઉપસ્‍થિત રહ્યા હતા

(2:01 PM IST)