News of Tuesday, 23rd September 2025
વાંકાનેરમાં કોલ્ડ્રીંક્સના ધંધાર્થી જયદિપ જયસ્વાલ પર વ્યાજખોરી મામલે હુમલો
છ ટકે ૧ાા લાખ લીધા હતાં: બે મહિનાથી વ્યાજ ન ચુકવી શકતાં જયેશ ઓઝા, તેના દિકરાઓએ હુમલો કર્યાનો આક્ષેપઃ યુવાનને સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો : ક્યારેક તો પેનલ્ટી પેટે ૧૦ ફાકી પણ દૂકાનેથી લઇ જતો!

રાજકોટ તા. ૨૩: વાંકાનેરમાં રહેતાં અને કોલ્ડ્રીંક્સની દૂકાન ચલાવતાં યુવાન પર મોડી રાતે ગામના જ એક શખ્સે પોતાના પુત્રો સાથે મળી હુમલો કરી ઢીકાપાટુનો અને કાચની બોટલથી માર મારતાં તેને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. વ્યાજખોરીને કારણે પોતાના પર હુમલો થયાનું તેણે કહેતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં એવન સોસાયટીમાં રહેતાં જયદિપભાઇ જીતેન્દ્રભાઇ જેસ્વાલ (ઉ.વ.૨૫) નામના યુવાનને તે રાતે સાડા બારેક વાગ્યે મેઇન બજાર ચાવડા ચોકમાં હતો ત્યારે વાંકાનેરના જ જયેશભાઇ ઓઝા, તેના દિકરા આકાશ, ઋષભ સહિતે ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી સોડા બોટલ ફટકારી ઇજાઓ કરતાં વાંકાનેર સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી.
જયદિપભાઇએ કહ્યું હતું કે મારે વાંકાનેરમાં રાજેશ કોલ્ડ્રીંક્સ નામે દૂકાન છે. મેં અગાઉ જયેશભાઇ પાસેથી ધંધાના કામે ૧ાા લાખ રૂપિયા છ ટકા વ્યાજેથી લીધા હતાં અને તેની સામે દરરોજના ૩૦૦ લેખે નિયમીત દર મહિને નવ હજાર વ્યાજ ચુકવતો હતો. પણ હાલમાં ધંધામાં મંદી આવી ગઇ હોઇ બે મહિનાનું વ્યાજ ન ચુકવી શકતાં બોલાચાલી થઇ હતી. આ દરમિયાન હવે શું કરી શકાય? તે અંગે મેં વકિલની સલાહ લીધી હોઇ તેની તેને જાણ થઇ જતાં રાતે તેના દિકરાઓ સાથે રાતે મારી દૂકાન પાસે આવી પહેલા તો વ્યાજના લખાણની ડાયરીઓ હતી તે મારી પાસેથી લઇ તેણે ફાડી નાંખી હતી અને બાદમાં આ જયેશભાઇએ તેના બે પુત્રો સાથે મળી હુમલો કર્યો હતો. જયદિપભાઇએ એમ પણ કહ્યું હતું કે રોજના ૩૦૦ વ્યાજ ક્યારેક ચુકવી ન શકું તો તે પેનલ્ટી પેટે મફતમાં ૧૦-૧૦ ફાકી પણ લઇ જતો હતો! પોલીસે આ આક્ષેપો અંગે તપાસ શરૂ કરી છે. (૧૪.૫)
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
