News of Tuesday, 23rd September 2025
સરધારમાં શંકાશીલ પતિએ પત્નિને પાઇપથી ફટકારી, ગામના ચોકમાં લઇ જઇ સાડી ઉતારી!: વિડીયોને આધારે બ્લેકમેઇલ
૩૦ વર્ષના યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર ૧૯ વર્ષની યુવતિને ત્રણ મહિનાથી પતિનો સતત ત્રાસ : મોડી રાતે ટુવ્હીલરમાં બેસાડી રામવન પાસે લઇ જઇ ત્યાં પણ ખરાબ વર્તન કર્યુઃ બાદમાં કોઠારીયા સોલવન્ટમાં માવતરે મુકી નીકળી ગયોઃ ફરીથી સાસુ-સાળાવેલી સાથે માથાકુટ કરી પત્નિને ખૂનની ધમકી દીધી : આજીડેમ પોલીસે ગુનો નોંધ્યોઃ આરોપી યુવાન પણ પોતાની સાથે મારકુટ થયાના આક્ષેપો સાથે હોસ્પિટલમાં દાખલ થયો

રાજકોટ તા. ૨૩: કોઠારીયા સોલવન્ટ ૨૫ વારીયામાં માવતર ધરાવતી યુવતિએ સરધારના શખ્સ સાથે પ્રેમલગ્ન કર્યા હોઇ આ યુવતિને ત્રણ દિવસ પહેલા મોડી રાતે પતિએ ગાળો દઇ લોખંડના પાઇપથી માર મારી તેમજ સરધાર ગામના ચોકમાં લઇ જઇ સાડી ઉતારી ખરાબ વર્તન કરી તેમજ રામવન પાસે લઇ જઇ ત્યાં પણ ખરાબ વર્તન કર્યા બાદ તેણીને માતવરે મુકી જતો રહ્યા પછી ગત સાંજે ફરીથી સાસરિયામાં જઇ સાસુ, સાળાના પત્નિ સહિતની સાથે ઝઘડો કરી પત્નિનો અગાઉ વિડીયો ઉતાર્યો હોઇ તેના થકી બ્લેકમેઇલ કરી તેણીને મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે. ત્રણ મહિનાથી તે ખોટી શંકા કરી હેરાન કરતો હોવાનું અને પાઇપ ફટકારતાં કોણી ભાંગી ગયાનું ફરિયાદમાં પરિણીતાએ કહ્યું હતું.
આ બનાવમાં આજીડેમ પોલીસે સરધાર ગામમાં રહેતાં ૧૯ વર્ષના પરિણીતાની ફરિયાદ પરથી તેના પતિ વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. તેણીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું સરધાર રહુ છું. મારો પતિ અગાઉ મારા માવતર કે જે કોઠારીયા સોલવન્ટ ૨૫ વારીયામાં રહે છે ત્યાં રહેતો હોઇ અમારી વચ્ચે પ્રેમ થઇ જતાં અમે ઘરમેળે લગ્ન કર્યા છે. મારે તેના થકી સંતાનમાં એક દિકરો છે. તા. ૧૯/૯ના રાતે એકાદ વાગ્યે હું ઘરે હતી ત્યારે પતિ બહારથી આવી મારી સાથે જેમફાવે તેમ બોલવા લાગતાં મેં તેને કહેલું કે-અત્યારે તમે સુઇ જાવ. આથી તે વધુ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. મેં તેને ગાળો નહિ બોલવા અને માર નહિ મારવા સમજાવતાં ઘરના ખુણામાં લોખંડનો પાઇપ પડયો હોઇ તે ઉપાડીને જમણા હાથની કોણી પર મારી દીધો હતો.
બાદમાં પતિ મારા ગળા પર બેસી ગયો હતો અને બાદમાં મને સરધાર ગામના પંચમુખી ચોકમાં લઇ ગયો હતો. ત્યાં પણ મારી સાથે ખરાબ વર્તન કરી મારી સાડી ઉતારી ખેંચી હતી. એ પછી જ્યુપીટરમાં બેસાડી રાજકોટ રામવન પાસે લઇ જઇ ત્યાં પણ ખરાબ વર્તન કર્યુ હતું. છેલ્લે મને કોઠારીયા સોલવન્ટ ૨૫ વારીયીામાં શિતળાધાર ૨૫ વારીયામાં મારા મમ્મીના ઘરે મુકીને જતો રહ્યો હતો. બાદ મેં મારા માતા, બહેન, ભાભીને વાત કરી હતી કે મને પતિએ પાઇપથી ફટકારી છે અને જમણા હાથમાં ઇજા છે. આથી આ લોકો મને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. ડોક્ટરે એક્સ-રે કરાવતાં તેમાં ફ્રેકચર થઇ ગયાનું જણાવ્યું હતું.
પેટના ભાગે પણ મને પાટા માર્યા હોઇ મુંઢ ઇજા થઇ હતી. દરમિયાન સોમવારે ૨૨મીએ સાંજે હું મારા મમ્મીના ઘરે હતી ત્યાં ફરીથી પતિએ આવી મારા મમ્મી, ભાભી સાથે બોલાચાલી કરી મારો વિડીયો ઉતારેલ હોઇ જે બાબતે બ્લેકમેઇલ કરી મારી નાખવાની ધમકી આપી હતી. પતિ છેલ્લા ત્રણ મહિનાથી મારા પર શંકા કરી હેરાન પરેશાન કરતો હોઇ જેથી મેં તેના વિરૂધ્ધ ફરિયાદ કરી છે. તેમ વધુમાં તેણીએ કહેતાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ પી. કે. ગામેતીએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજી તરફ ૩૦ વર્ષનો પતિ પણ રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો અને પોતાને સાળાઓ સહિતનાએ ઢીકાપાટુ માર્યાનો અને પોલીસે પણ મારકુટ કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસમાં નોંધ કરાવી હતી. તેણે કહ્યું હતું કે પોતે કડીયા કામ કરે છે. પોતે દિકરાને મળાવવવા પત્નિ પાસે લઇ ગયો ત્યારે પોતાને ઘેરી લઇ હુમલો કરાયાનો આક્ષેપ પણ તેણે કર્યો હતો. (૧૪.૬)
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
