<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd September 2025

જામનગરમાં સહિયર નવરાત્રી મહોત્‍સવમાં ‘ઓપરેશન સિંદૂર'ની ધૂમ મચી

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૩: જામનગરના સાત રસ્‍તા પાસેના કોમર્સ કોલેજના પટાંગણમાં રંગતાલી ગ્રુપ દ્વારા યોજાતી સહિયર નવરાત્રી મહોત્‍સવમાં નોરતાના પ્રથમ દિવસે ઓપરેશન સિંદૂરની થીમે ભારે જમાવટ કરી હતી.

આમ પણ આ ગ્રુપના સંયોજક સંજયભાઈ જાની ઉપરાંત તમામ સભ્‍યો કાયમી ધોરણે રાષ્‍ટ્રભક્‍તિના રંગે રંગાયેલા રહ્યા છે. પ્રતિવર્ષ નવરાત્રીના એરિનામાં દેશભક્‍તિ - રાષ્‍ટ્રવાદનો માહોલ છવાયેલો હોય છે. આ વર્ષે ઓપરેશન સિંદૂરની ઘટના પછી તેમાં જબ્‍બર ઉછાળો દ્રશ્‍યમાન થયો હતો.

આ વર્ષે વિખ્‍યાત સંગીતકારો તથા ગાયકવળંદે ઓપરેશન સિંદૂરને કેન્‍દ્રમાં રાખી ભૂલ્‍યા નથી અને ભૂલવાના પણ નથી. જેવા જોમભર્યા શબ્‍દોથી અંકિત એક વિશેષ ગરબો પ્રસિદ્ધ કર્યો છે. આ ગરબા સાથેની થીમ આધારિત નવરાત્રી મહોત્‍સવ ઉજવવાની હાકલને રંગતાલી ગ્રુપે વધાવી લીધી.

નવરાત્રીનો પ્રારંભ આ રાષ્‍ટ્રવાદના ગરબા સાથે થયો. સમગ્ર મેદાન ઉપર તિરંગા તથા કેસરિયા ધ્‍વજ ફરકતા હતા.

પ્રથમ નવરાત્રીનો શુભારંભ કરવા અતિથિવિશેષ તરીકે ઉપસ્‍થિત જામનગરના બન્ને ધારાસભ્‍યો દિવ્‍યેશભાઈ અકબરી તથા શ્રીમતી રીવાબા જાડેજાએ પણ આ વિષયે પોતાનો રાજીપો વ્‍યક્‍ત કરી મહોત્‍સવના કાર્યકરો સાથે તસ્‍વીરો ખેંચાવી તેઓને પ્રોત્‍સાહિત કર્યા હતા.

કાર્યક્રમની સૌથી આકર્ષક બાબત તો એ રહી કે, નવરાત્રીના ચોકડી રાસના સ્‍પર્ધાત્‍મક રાઉન્‍ડમાં બાર-તેર વર્ષના ભૂલકાઓના એક ગ્રુપે તો સંપૂર્ણ ઓપરેશન સિંદૂર થીમને આત્‍મસાત કરી તે મુજબ ડાંડિયારાસ ખેલ્‍યા હતા. ચાર ખેલૈયાઓની વચ્‍ચે રાષ્‍ટ્રધ્‍વજ રોપી ચારેય છેડે ત્રિરંગા દુપટ્ટા સાથે એકરૂપતા સાધી ભારતીય સૈનિકોના જોશને પ્રદર્શિત કર્યું હતું. તેમની પીઠ ઉપર પણ ઓપરેશન સિંદૂર ના ચિત્રો-સૂત્રો નીહાળી દર્શકોએ પણ તાલીઓના ગડગડાટથી ગ્રુપને વધાવ્‍યું હતું.

(1:02 PM IST)