News of Tuesday, 23rd September 2025
થાનગઢમાં નવરાત્રીના પાવન પર્વ દરમિયાન અચાનક ફાયરિંગ થયું
તહેવારના શાંતિપૂર્ણ માહોલને ડહોળવાનો પ્રયાસઃઆ બબાલ બોલાચાલીમાં પરિણમી અને ત્યારબાદ મામલો વધુ ગંભીર બન્યો

સુરેન્દ્રનગર,તા.૨૩
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં નવરાત્રીના પાવન પર્વ દરમિયાન એક ચોંકાવનારી અને દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે. શેરી ગરબાના કાર્યક્રમમાં અચાનક થયેલા ફાયરિંગથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાએ તહેવારોના શાંતિપૂર્ણ માહોલને ડહોળી નાખ્યો છે અને કાયદો અને વ્યવ્યસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, થાનના શેરી ગરબામાં મોડી રાત્રે બાબુ પરમાર અને શિવા ઉર્ફે બન્યુ પરમાર નામના બે ઈસમોએ દારૃના નશામાં ધુત થઈને બબાલ શરૃ કરી હતી. આ બબાલ બોલાચાલીમાં પરિણમી અને ત્યારબાદ મામલો વધુ ગંભીર બન્યો. નશાની હાલતમાં આ બંને શખ્સોએ પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી આડેધડ છ રાઉન્ડ ફાયરિંગ કર્યું.
આ ઘટનાથી ગરબા રમી રહેલા લોકો અને આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. લોકો જીવ બચાવવા માટે આમ-તેમ દોડવા લાગ્યા હતા અને ગરબાનો કાર્યક્રમ તાત્કાલિક બંધ કરવો પડ્યો હતો. એક પવિત્ર તહેવારના માહોલમાં આ પ્રકારની હિંસક ઘટનાએ સમાજમાં ચિંતાનું વાતાવરણ ઊભું કર્યું છે. ફાયરિંગની જાણ થતાં જ પોલીસ તંત્ર સફાળું જાગ્યું હતું. ડીવાયએસપી, પીઆઈ સહિતનો ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવીને તપાસ હાથ ધરી હતી. ફાયરિંગ કરનારા બંને આરોપીઓ વિરુદ્ધ થાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૃ કરવામાં આવી છે.
આ ઘટના દર્શાવે છે કે તહેવારોના સમયગાળા દરમિયાન પણ અમુક અસામાજિક તત્વો કાયદો અને વ્યવસ્થાને ગંભીરતાથી લેતા નથી.
ખાસ કરીને નશાની હાલતમાં આવા ગુનાઓ થવાની શક્યતાઓ વધી જાય છે. પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને આરોપીઓને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં આવા બનાવોનું પુનરાવર્તન ન થાય અને લોકો સુરક્ષિત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે. આ પ્રકારની ઘટનાઓ માત્ર ગુનાહિત કૃત્ય નથી, પરંતુ તે સમાજમાં અસુરક્ષાની ભાવના પણ ઊભી કરે છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
