<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

મોરબીમાં બીએલઓ નિમણુકમાં જાતિવાદ અને પક્ષપાતી વલણ અંગે પ્રાંત અધિકારી સમક્ષ રાવ

શિક્ષકે પ્રાંત અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબીમાં બીએલઓ નિમણુકમાં જાતિવાદ અને પક્ષપાતી વલણ રાખવામાં આવતું હોવાની રાવ સાથે મોરબીની શાળાના શિક્ષકે પ્રાંત અધિકારીને લેખિત આવેદન પાઠવ્યું છે.

મોરબીની શ્રી ખારી ત્રાજપર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક પરમાર નરેન્દ્ર નાનજીભાઈએ લેખિત આવેદનમાં જણાવ્યું છે કે અમારી શાળામાં ૩૫૮ વિદ્યાર્થીઓ અને ૧૦ શિક્ષકો ફરજ બજાવે છે બે શિક્ષકોની ઘટ છે હાલ આપ સાહેબની કચેરી દ્વારા થયેલ બીએલઓ નિમણુકમાં અમારી શાળામાંથી ૯ શિક્ષકોના ઓર્ડર થયેલ છે ૧ શિક્ષક જે થોડા મહિનામાં નિવૃત થવાના છે તેમનો પણ ઓર્ડર હતો પણ જે રદ થયેલ હતો.
     અગાઉ જયારે બીએલઓ નિમણુક ઓર્ડર થતા ત્યારે એક શાળામાંથી તમામ શિક્ષકોના ઓર્ડર નીકળે એવું ક્યારેય બન્યું નથી પરંતુ નિમણુકમાં મોરબીની ઘણી એવી શાળા છે કે જ્યાં ૧૦ થી વધુ શિક્ષકો છે તેમની શાળામાંથી ૩ કે તેથી ઓછા ઓર્ડર થયેલ છે જેમકે શાંતિવન પ્રાથમિક શાળા જ્યાં ૧૫ શિક્ષક છે અને બીએલઓની નિમણુક ૩ ની છે મોરબી સીટી નાયબ મામલતદાર ગાંભવાભાઈના પત્ની ત્યાં ફરજ બજાવે છે મોરબીની આવી અનેક શાળાઓ છે જ્યાં વધુ મહેકમ સામે થોડા ઓરડ્ર્દ જ નીકળ્યા છે અમારી શાળામાં ૧૦ માંથી ૯ ઓર્ડર થયેલ છે.
    સીટી નાયબ મામલતદાર ગાંભવાભાઈ દ્વારા બીએલઓ નિમણુકમાં જાતીવાદી અને પક્ષપાતી વલણ અપનાવી કોઈ એક સમાજના શિક્ષકોનું હિત જળવાય તે રીતે એસસી, એસટી, ઓબીસી સમાજના શિક્ષકોના મનઘડત રીતે ઓર્ડર માટે નામ સૂચન કરેલ છે અનેક મહિલા શિક્ષકોના પણ એવા સંવેદનશીલ વિસ્તારમાં ઓર્ડર કરેલ છે જ્યાં તેમને કામ કરવામાં મુશ્કેલી પડે. સરકારી કચેરીમાં કોઈ કર્મચારી આવું ભેદભાવભર્યું વલણ અપનાવવામાં આવતું હોય તો વડાપ્રધાન મોદી સાહેબ દ્વારા આપવામાં આવેલ વિચાર સૌનો સાથ સૌનો વિકાસ એ ક્યાંથી સાર્થક થશે ?
     અમોને કામગીરી ના કરવાનો કોઈ ઉદેશ્ય નથી પણ બીએલઓ નિમણુકમાં જાતીવાદી અને પક્ષપાતી વલણ અપનાવી જે ઓર્ડર થયા છે તે બાબતે આપ સાહેબનું ધ્યાન દોરાય અને આવા ભેદભાવ રાખતા કર્મચારીને કડક સુચના મળે અને એક શાળામાંથી શક્ય હોય ત્યાં સુધી ૫૦ ટકાથી વધુ નિમણુક ના થાય જેથી બાળકોના શૈક્ષણિક કાર્યને નુકશાન ન થાય તેવા હેતુથી અરજી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે અને મુદાઓને ધ્યાને લઈને યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.


 

(12:29 AM IST)