<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

નરેન્દ્રભાઈનો સ્વચ્છતા અભિયાનનો સંદેશ પહોંચે છે કચ્છના મુન્દ્રા તાલુકાના ગામે ગામ: યુવા અગ્રણી જીગર તારાચંદ છેડાનો સ્તુત્ય પ્રયાસ

સેવા પખવાડિયા અંતર્ગત સતત બીજા વર્ષે તાલુકાના તમામ ગામોમાં સંસ્થા અને લોકો સાથે મળી કરી રહ્યા છે સહિયારું સફાઈ અભિયાન

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૪: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે આયોજિત સેવા પખવાડીયા અંતર્ગત અશનવ્રતધારી, જૈન સમાજરત્ન આપણા સૌના વડીલ મુરબ્બી શ્રી તારાચંદભાઈ જગશીભાઈ છેડાની પ્રેરણાથી શ્રી સર્વ સેવા સંધ(કચ્છ) ભુજ અને શ્રી ક.વી.ઓ.જૈન મહાજન ભુજ સંસ્થાના પ્રમુખ  જીગર તારાચંદભાઇ છેડાના માર્ગદર્શન હેઠળ બંને સંસ્થાના સંયુક્ત ઉપક્રમે મુંદરા તાલુકાના ગામડાઓમાં સફાઇ અભિયાન અંતર્ગત સ્વચ્છતાનો સંદેશ ગામે ગામ પહોંચાડવા સહિયારું અભિયાન શરૂ કરાયું છે. 

        વરસાદી પાણી ભરાયા બાદ ગંદકી થી ઉપજનાર રોગચાળા થી બચવા તેમજ સ્વચ્છતા દ્વારા ગ્રામ્યજનોના સ્વાસ્થ્યની ચિંતા હેતુથી મુંદરા તાલુકાના બેરાજા ગામથી “ગામતળ સફાઈ અભિયાન” નો દિપ પ્રાગટ્ય કરી બંને સંસ્થાના પ્રમુખ  જીગર તારાચંદભાઇ છેડા, હનુમાન ટેકરી બેરાજાના મહંત રાકેશગીરીજી તથા અન્ય રાજકીય તથા સામાજિક આગેવાન ના હસ્તે કરવામાં આવ્યો હતો.

         આ પ્રસંગે જીગર તારાચંદભાઇ છેડાએ જણાવ્યું હતું કે, આપણા લોકલાડીલા, સવાયા કચ્છી વડાપ્રધાન   નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસ નિમિત્તે તેમણે આપેલા “સ્વચ્છતા ત્યાં સ્વસ્થતા” ના સુત્રના અનુસંધાને આ સેવાકીય કામની શરૂઆત કરાઈ છે. “ગામતળ સફાઈ" યોજનાની વધુમાં જાણકારી આપતા તેમણે જણાવ્યું હતું કે મુંદરા તાલુકાના તમામ ગામડાઓમાં આવેલ જીનાલય,મંદિર, શૈક્ષણિક સંકુલ,જાહેર જગ્યાઓ વિગેરે સ્થળોએ આ યોજના અંતર્ગત સફાઈ કામ કરી “સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત” ના નિર્માણ માં યોગદાન આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં મુંદરા તાલુકાના ગામડાઓના નદી,ચેકડેમ,આવ વિગેરે સ્થળોની આસપાસ ઊગી નીકળેલ બાવળોની સફાઈ કરી પાણી સંગ્રહ ની શક્તિ વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. 

 આ સમગ્ર યોજના માટે આર્થિક સહાય અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન  તારાચંદભાઈ જગશીભાઈ છેડા હસ્તે હંસાબેન તારાચંદભાઇ છેડા (ગામ મોટા કાંડાગરા હાલે ભુજ) પરિવાર તરફથી આપવામાં આવશે તેની જાહેરાત કરી હતી. સંસ્થા દ્વારા આગામી દિવસોમાં બધાના સાથ અને સહકાર દરેક ગામડાને નંદનવન બનાવવા માટે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારત ને ધ્યાને રાખી દરેક ગ્રામજનોએ એ માટે સાથે મળીને પ્રયાસો કરવા જણાવ્યુ હતુ‌. આ ઉપરાંત દરેક ગામના મહાજનનો ને પોતાના ગામડાઓના સેવાકીય કાર્યો માટે તન-મન-ધન થી સહયોગ આપવા અપિલ કરી હતી.આ સફાઈ અભિયાન માત્ર એકદિવસ પુરતો સીમિત ન રહેતાં બારે માસ પોતાના ગામડા ને સ્વચ્છ રાખવા જણાવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા ગામના આગેવાન શ્રી મિઠુભા જાડેજા એ જણાવ્યું હતું કે આપણા સૌના વડીલ માર્ગદર્શક શ્રી તારાચંદભાઈ છેડા ના દ્વારે જે કોઈ પણ લોકો કામ લઈ ને જાય તે ક્યારે પણ ખાલી હાથે પાછો નથી આવ્યો અને શ્રી તારાચંદભાઈ છેડાએ જે સેવાની જ્યોત પ્રગટાવી છે તેને તેમના પુત્ર શ્રી જીગર ભાઈ છેડા વધુ ને વધુ દિપાવી રહ્યા છે તે બદલ તેમણે શ્રી જીગર ભાઈ છેડાનો ગ્રામજનો વતી થી આભાર માની આવેલા મહેમાનોને આવકાર આપ્યો હતો.

 ગામના સરપંચ  જયેન્દ્રસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે જ્યારે ગામતળ સફાઈ નો વિચાર આવ્યો અને એ વિચાર  જીગરભાઈ છેડા સમક્ષ રજૂ કર્યો ત્યારે તેમણે તરતજ આ યોજના શરૂ કરવા માટે હા‌ પાડી અને તેની શુભ શરૂઆત આજરોજ આપણા બેરાજા ગામે થી થઈ રહી છે તે બદલ આભાર માન્યો હતો. તારાચંદભાઇ છેડા ની જે વિશેષ લાગણી આ ગામ પ્રત્યે હતી તેવી જ લાગણી તેમના પુત્ર  જીગરભાઈ છેડા આ ગામ પ્રત્યે સમર્પિત કરી રહ્યા છે.

          ત્યારે ગામના વિકાસ કાર્યો માટે સમગ્ર ગ્રામજનો તરફથી સહકાર આપવાની જાહેરાત કરી હતી. જેથી મારું ગામ નંદન વન ગામ બની શકે. આ સહિયારું અભિયાન સતત બીજા વર્ષે હાથ ધરાયું છે અને લોકો પણ સાથે મળી આ અભિયાનમાં સહયોગી બની રહ્યા છે. આમ સહિયારા અભિયાન થકી વડાપ્રધાન નરેન્દ્રભાઈનો સ્વચ્છતાનો સંદેશ મુન્દ્રા તાલુકાના ગામેગામ પહોંચી સ્વચ્છતા અંગે જાગૃતિ આણી રહ્યો છે.

(8:44 AM IST)