<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th September 2025

થાનમાં ગરબી આયોજન મામલે બે જૂથો બાખડયાઃ ગોળીબાર

જુના મનદુઃખે મામલો બિચકયોઃ બે આરોપી ઝબ્‍બેઃ પાંચ આરોપી ફરારઃ ભારે ચકચાર

 

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ર૪ :.. સુરેન્‍દ્રનગર જિલ્લાના થાનના આંબેડકરનગરમાં નવરાત્રીના પ્રથમ રાત્રે જ ગરબાના આયોજન વચ્‍ચે બે જૂથ વચ્‍ચે મારામારી બાદ હવામાં ફાયરિંગનો બનાવ બનતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે થાન પોલીસ મથકે સામ સામે સાત શખ્‍સો સામે ફરિયાદ નોંધાઇ છે. બનાવને પગલે ડીએસપી, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્‍થળે દોડી ગયો હતો.

થાનના નવાગામ રોડ પર આંબેડકરનગર-૫મા રહેતા હંસાબેન મુકેશભાઈ વાઘેલાના ઘરની પાસે ગરબી ચોકમાં નવરાત્રીના તહેવારને ધ્‍યાને લઈ વર્ષોથી ગરબા રમી રહ્યાં છે જેમાં પ્રથમ નોરતે ગરબા રમવાના હતા પરંતુ આજ વિસ્‍તારમાં રહેતા બે શખ્‍સોએ ગરબા રમવાના સ્‍થળ ઉપર ચોકમાં સફાઈ કામગીરી ચાલી રહી હોય તે જગ્‍યાએ આવી ગરબા રમવા બાબતનું મનદુઃખ રાખી લાકડી, લોખંડનો પાઈપ વડે હંસાબેનના દિકરા સાગર તેમજ અજય અને ફરિયાદીના ફુઈના દિકરા દિનેશભાઈને એકસંપ થઈ મારમારી બંને પાસે રહેલ પિસ્‍તોલમાંથી ૩-૩ રાઉન્‍ડ હવામાં ફાયરીંગ કર્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જે અંગે હંસાબેનએ થાન પોલીસ મથકે બે શખ્‍સો બાબુભાઈ રાજાભાઈ પરમાર અને શિવાભાઈ ઉર્ફે બન્‍ટુભાઈ કાંતિભાઈ પરમાર બંને (રહે.આંબેડકરનગર-૫, થાન) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

થાનમાં ગરબીના કાર્યક્રમ દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. જૂનું મનદુઃખ રાખી ૨ ઈસમોએ ૬ રાઉન્‍ડ ફાયરિંગ કરતા કાર્યક્રમમાં દોડધામ મચી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ આદરી છે.

 થાનમાં નવરાત્રીની પ્રથમ રાત્રીએ જ ગરબીના કાર્યક્રમમાં બાબુ પરમાર અને શિવા પરમારે ૬ રાઉન્‍ડ ફાયરિંગ કરતા કાર્યક્રમમાં નાસભાગ મચી હતી.

 સદનસીબે મિસ ફાયર થતા મોટી દુર્ઘટના ટળી હતી. પ્રથમ નોરતામાં જ ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ તંત્રે તુરંત ગરબી બંધ કરાવી હતી.

જ્‍યારે સામાપક્ષે બાબુભાઈ રાજાભાઈ પરમારએ જણાવ્‍યું હતું કે આ ગરબી દરમિયાન છેડતીના બનાવો તેમજ દિકરીઓ ભાગી ગઈ હોય બાબુભાઈ તથા તેમના કાકાના દિકરા બન્‍ટુભાઈ પરમારે ગરબી ચોકે જઈ ભરતભાઈ, શીલુભાઈ, મનુભાઈ સહિતનાઓને ગરબીનું આયોજન નહીં કરવા માટે સમજાવવા ગયા હતા. પરંતુ મનુભાઈએ ગરબી ચાલુ થશે તેમ જણાવી ફરિયાદી તથા તેમના કાકાના દિકરા સાથે બોલાચાલી કરી ગાળો આપી તમામ શખ્‍સોએ લાકડીનો એક ઘા બાબુભાઈના તેમજ એક ઘા બન્‍ટુભાઈના માથામાં મારી ઈજાઓ પહોંચાડી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. જે બાબુભાઈએ (૧) ભરતભાઈ પાલાભાઈ રાઠોડ (૨) શીલુભાઈ માયાભાઈ રાઠોડ (૩) મનુભાઈ પાલાભાઈ રાઠોડ (તમામ રહે.આંબેડકરનગર-૫ થાન) અને બે અજાણ્‍યા શખ્‍સો સહિત કુલ પાંચ વ્‍યક્‍તિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.

જ્‍યારે થાનગઢ ગામ ખાતે ફાયરિંગની ઘટના સામે આવી હતી જેમાં સામસામા ફાયરીંગ કરનાર બંને આરોપીઓને થાનગઢ પોલીસે ઝડપી પાડ્‍યા છે અને હજુ પાંચ આરોપીઓ ફરાર હોવાનું અને તેમને ઝડપી પાડવાની કામગીરી ચાલુ છે ત્‍યારે એક જ જ્ઞાતિ વચ્‍ચે મન દુઃખના પ્રશ્ને  બોલાચાલી બાદ ફાયરિંગ થયા હોવાનું સામે આવ્‍યું છે. (પ-૧ર)

(11:08 AM IST)