News of Wednesday, 24th September 2025
મોરબી જિલ્લામાં હોટલ માલિકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો-ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધીને અપલોડ કરવાની રહેશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા )મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર ચાલુ રહે છે. ઉપરાંત લઘુ ઉદ્યોગોમાં મોરબી શહેર મોખરે છે. તેથી સમગ્ર મોરબી જિલ્લામાં કાયદા-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, અગત્યના ઇનપુટો બાબતે મહત્વની માહિતી મળી રહે તે માટે ‘પથિક’ સોફ્ટવેરની અમલવારી માટે મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
મોરબીના કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામામાં જણાવ્યા અનુસાર મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તમામ હોટલો-ગેસ્ટ હાઉસ ખાતે પ્રાંત, રાજ્ય, દેશ, વિદેશથી આવતા તમામ મુસાફોરોની વિગત પથિક સોફ્ટવેરમાં હોટલના માલિક કે સંચાલકોએ નોંધીને અપલોડ કરવાની રહેશે. આ સોફટવેરમાં ડેટા એન્ટ્રી કરવા માટે મોરબી પોલીસ અઘિક્ષકની કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદનની બાજુમાં એ-વિંગ, ત્રીજો માળ, રૂમ નં.૨૦૬, એસ.ઓ.જી. શાખા ખાતેથી હોટલ સંચાલક તેમજ માલિકે હોટલની વિગતો રજૂ કરીને યુઝર આઈ-ડી અને પાસવર્ડ સત્વરે મેળવી લેવાના રહેશે. આ જાહેરનામું આગામી તા. ૨૩-૧૧-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘પથિક’સોફ્ટવેરની કામગીરી હોટલમાં રોકાણ કરનાર ગ્રાહકની માહિતી માટે હોટલ ખાતેથી જ ઈન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનું સીક્યોર વેબ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતેથી આપવામાં આવેલ યુઝરનેમ અને પાસવર્ડ દ્વારા એન્ટ્રી કરી શકે છે. આમ સોફ્ટવેર કોઈપણ નવી હોટલમાં ઇન્સ્ટોલ કરવા માટે જે-તે સ્થળ પર જવાની જરૂર નથી, પરંતુ મુખ્ય કાર્યાલય દ્વારા જે-તે હોટલની રજીસ્ટ્રેશનને લગતી માહિતી સર્વરમાં સ્ટોર કર્યા બાદ, યુઝરનેમ અને પાસવર્ડ આપતા હોટલ આ સિસ્ટમ સાથે જોડાઈ જાય છે. જેના આધારે રોકાણ કરનાર ગ્રાહકની તમામ માહિતી પોલીસને તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ થઈ જાય છે. અને પથિક સૉફ્ટવેરની માહિતી ઘણી વખત ગુન્હાના કામે ડીટેકશન માટે મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે
(10:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
