<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

જામનગરમાં લાઉડ સ્પીકર વગર 81 વર્ષથી પરંપરા જાળવતી શાસ્ત્રીય સાદગી સભર ગરબી

આજના આધુનિક યુગમાં ડી.જે. કે લાઉડ સ્પીકર જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગર માત્ર માતાજીની આરાધના કરવા માટે હાર્મોનિયમ અને તબલાના તાલે શાસ્ત્રીય ગીતોથી જ માતાજીની આરાધના

સમગ્ર ભારતમાં એકમાત્ર છેલ્લા 81 વર્ષથી જામનગરમાં કોઈ પણ જાતના લાઉડ સ્પીકર વગર આજે પણ શાસ્ત્રીય સંગીત આધારિત ગરબી ચાલી રહી છે, જે નિહાળવી પણ એક લ્હાવો છે.(તસવીર :કિંજલ કારસરીયા, જામનગર)

 

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૫

આખા ભારતમાં એકમાત્ર છોટી કાશી ગણાતા જામનગરમાં છેલ્લા 81 વર્ષથી પરંપરાગત રીતે શાસ્ત્રીય સંગીત આધારિત ગરબી યોજાય છે. શહેરના બર્ધન ચોક વિસ્તારમાં આવેલ કંસારાની શેરી તરીકે ઓળખાતા વિસ્તારમાં શ્રી મહાકાળી માતાજીના સાનિધ્યમાં યોજાતી આ ગરબી ની વિશેષતા એ છે કે, આજના આધુનિક યુગમાં ડી.જે. કે લાઉડ સ્પીકર જેવા કોઇ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગર માત્ર માતાજીની આરાધના કરવા માટે હાર્મોનિયમ અને તબલાના તાલે શાસ્ત્રીય ગીતોથી જ માતાજીની આરાધના કરવામાં આવે છે.

ડીજે અને લાઉડ સ્પીકરના  આધુનિક ઉપકરણોના જમાનામાં નવરાત્રીનો તહેવાર સૌ કોઈ ધામધૂમથી ઉજવી રહ્યા છે. ત્યારે પ્રાચીન વારસો વિસરાઈ રહ્યો છે. કારણ કે, હાલ ડીજેના તાલે અને મ્યુઝિક સિસ્ટમ પર હવે ગરબાનું આયોજન થાય છે. પહેલા જે રીતે પ્રાચીન ગરબીઓ યોજાતી હતી તે હવે ભાગ્યે જ ક્યાંય જોવા મળતી હશે, પણ જામનગરમાં આજે પણ મારું શ્રી મારુ કંસારા વલ્લભી સંપ્રદાય જ્ઞાતિ આયોજિત શ્રી મહાકાલી માતાજી ગરબી મંડળ દ્વારા પ્રાચીન રીતે શાસ્ત્રીય સંગીત અને રાગ આધારિત એકમાત્ર ભારતભરમાં ગરબી યોજવામાં આવી રહી છે. જેને નિહાળવી પણ એક લ્હાવો છે.

જામનગર શહેરના માંડવી ટાવર, બર્ધન ચોક વિસ્તારમાં શ્રી મારુ કંસારા વલ્લભી સંપ્રદાય જ્ઞાતિ દ્વારા શ્રી મહાકાળી માતાજીના મંદિરના આંગણામાં આ ગરબી રમવામાં આવે છે. તેમ મહેશભાઈએ અમારા પ્રતિનિધિ કિંજલ કારસરીયા ને જણાવ્યું હતું અને કહ્યું હતું કે, છેલ્લા 80 વર્ષથી શાસ્ત્રીય રાગ અને સંગીત પર આ ગરબી યોજાય છે. જેમાં એક પણ લાઉડ સ્પીકર નો ઉપયોગ કરાતો નથી. આ ગરબી સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીત પર આધારિત છે. જ્યાં આદિત્યરામજી ઘરાનાના વિશ્વવિખ્યાત ખ્યાતના મોહનભાઈ, બળદેવજીભાઈ, ઈન્દુભાઈ, કલ્યાણભાઈ સહિતના કલાકારો અગાઉ ભાગ લેતા હતા. હાલ પણ કલાકારો કોઈ પણ ચાર્જ લીધા વગર અહીંયા સંગીત આપે છે. અને બાળાઓ પાસેથી પણ કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.અને બાળાઓ મત્ર બે કલાક જ સાદાઈ અને શ્રધ્ધા પૂર્વક સંપૂર્ણપણે શાસ્ત્રીય સંગીત પર જ ગરબી રમવામાં આવે છે.

 

(10:53 AM IST)