<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

ચોટીલા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી સંપન્નઃ કારોબારી સાથે પ્રમુખ, મંત્રીની બિનહરીફ વરણી

સુરેન્‍દ્રનગર જિલ્લા સંઘની ચૂંટણી ૨૬ મીએ ભારે કશ્‍મકશ માહોલમાં યોજાશે

ચોટીલા તાલુકા શિક્ષક સંઘમાં બિન હરીફ  ચૂંટાઇ આવેલ હોદ્દેદારો ની તેમજ શિક્ષક સમાજમાં છવાયેલ ખુશી ની લહેર (તસવીર : - હેમલ શાહ-ચોટીલા)

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા.,૨૫ : ચોટીલા તાલુકા પંચાયત ખાતે બુધવારના તાલુકા શિક્ષક સંઘની ચૂંટણી યોજાયેલ હતી જેમા કારોબારી, પ્રમુખ મંત્રી સહિત સમગ્ર બોડી સર્વાનુમતે બિન હરીફ થયેલ હતી.

પ્રાપ્ત માહિતી મુજબ ચૂંટણી તાલુકાના વિસ્‍તરણ અધિકારી સહકાર એન.બી. અકબરી તથા આકડા મદદનીશ સી.બી ત્રિવેદીની ફરજ હેઠળ તાલુકા પંચાયત કચેરીના હોલ ખાતે સવારે નિર્ધારિત સમયે ચૂટણી યોજાયેલ હતી જેમા પ્રમુખ તરીકે ઘનશ્‍યામભાઈ મેણીયા અને મંત્રી તરીકે સામતભાઇ પરમાર સામે કોઇની પણ ઉમેદવારી પત્ર ન હોવાથી બંન્નેને બિન હરીફ વરણી જાહેર થયેલ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકા શિક્ષક સંઘમાં ૪૬ ની કારોબારી છે. જેમા પે સેન્‍ટર થી તાલુકા કક્ષા સુધીના તમામ કારોબારી સભ્‍ય પણ બિન હરીફ થયેલ હતા જેઓએ પૂર્વ પ્રમુખ અને મંત્રીની સકારાત્‍મક અને સુચારૂ કામગીરીને લઈ ને સમગ્ર બોડી એ ફરી તેઓની ઉપર પસંદગીનો કળશ ઢોળી પ્રમુખ મંત્રીની બિનહરીફ પસંદગી કરેલ હતી.

શિક્ષક સમાજમાં સંઘ નું વિશેષ મહત્‍વ હોય છે. આગામી તા. ૨૬ મીના રોજ સુરેન્‍દ્રનગર જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજનાર છે. જેમા કોણ મેદાન મારશે તે બાબતને લઇને જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજમાં ચર્ચાનો વિષય બનેલ છે. તેમજ સમગ્ર જિલ્લામાં પણ શિક્ષણ જગતમાં રાજકિય માહોલમાં ગરમાવો છવાયેલ છે.

(11:59 AM IST)