News of Thursday, 25th September 2025
અમરેલી જીલ્લામાં સાંતલી સિંચાઇ યોજના સહિત રસ્તાનો પ્રશ્ન ઉકેલવા માંગણી
ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવતા વિરજીભાઇ ઠુંમર

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. રપઃ અમરેલીના પૂર્વ સાંસદ અને લાઠી-બાબરાના પૂર્વ ધારા સભ્ય વિરજીભાઇ ઠુંમરે અમરેલી કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને અમરેલી જીલ્લાની જીવાદોરી સમાન સાંતલી સિંચાઇ યોજનાની જાહેરાત અને રસ્તા અંગે અમરેલી જીલ્લાને થતો અન્યાય દુર કરવા તંત્રને કડક સુચના આપવા માંગ કરી છે.
વિરજીભાઇ ઠુંમરે વધુમાં જણાવ્યુ છે કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના વડાપ્રધાન દ્વારા આ યોજનાનું ચુંટણી સમયે બે-બે વખત ખાતમુહુર્ત કરેલ છે, આ બાબતે વિધાનસભામાં મે પણ અનેકવાર રજુઆતો કરી ‘ખાતમુહુર્ત કર્યા બાદ સાંતલી સિંચાઇ યોજના કયાં છે? ટોર્ચ લઈને શોધી રહ્યો છું, તેવા મારા વકતવ્ય ના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે પણ ‘વિરજીભાઇ તમારે ટોર્ચ થી સાંતલી સિંચાઇ યોજના શોધવી નહી પડે, ૨ વર્ષમાં આ યોજના ધમધમતી થશે' તેમજ હાલનાં અમરેલીનાં ધારાસભ્ય ચુંટણી સમયે અમરેલીની પ્રજાને લોલીપોપ આપી આ સાંતલી સિંચાઇ યોજના ઝડપથી કાર્યરત થશે તેવા પોકળ વચનો આપેલ છે. અમરેલી જિલ્લાનાં રૂલીંગ પાર્ટીના સાંસદશ્રી, વિધાનસભાથી ચુંટાયેલા ધારાસભ્યશ્રીઓએ અનેક વખત પોકળ વચનો આપેલ છે, વિરોધપક્ષના ધારાસભ્યશ્રીઓ બાબતે સતત રજુઆતો કરતા રહે છે વિધાનસભામાં પણ જિલ્લાનાં વિકાસ માટે સતત આ બાબતે બોલતા રહ્યાં છે પરંતુ નીઓ આ તંત્રનું કે સરકારશ્રીનું પેટનું પાણી હલતું નથી. ત્યારે એકમાત્ર ભરોસો ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે ગુજરાત રાજ્યનાં પ્રથમ મુખ્યમંત્રી રહી ચુકેલા માન.ડો. જીવરાજ મહેતા પછી મને વ્યક્તિગત વિશ્વાસ છે, તો આપ અમરેલી આવી રહ્યાં છો, સહકારી સેમીનાર તેમજ સ્વદેશી ચળવળ માટે આપ જે પ્રયત્ત કરવા જઈ રહ્યાં છો તેમાં અમરેલીની જીવાદોરી સમાન સાંતલી સિંચાઇ યોજનાની જાહેરાત કરવામાં આવે તેવી મારી રજુઆત છે અને આપ ઉપર પુરા દિલથી વિશ્વાસ ધરાવી રહ્યો છું, તો તે બાબતે જરૂરી જાહેરાત કરવા મારી રજુઆત સહ વિનંતી છે.
રાજ્યમાં રસ્તા બાબતે વધારામાં વધારે અમરેલી જિલ્લાને અન્યાય થયો છે, રૂલીંગ પાર્ટીના પુર્વ સાંસદ અમરેલી જિલ્લાની અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની ભ્રષ્ટ્રનીતિ ના કારણે રસ્તા માટે સતત લોકો પીડાઇ રહ્યા છે તેવા ઙ્કેસનિવેદનો અને ટીવી મીડિયા મારફત જણાવી ચુકયા છે, અમરેલી ભાજપનાં પુર્વ પ્રમુખ, કિશાન મોરચા સાથે જોડાયેલા હિરેનભાઇ હિરપરા એ સરકારમાં રજુઆત કરી અમરેલી જિલ્લાનાં માર્ગ-મકાન વિભાગનાં અધિકારીઓની ભ્રષ્ટ્રનીતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે, મે પણ આ બાબતે આપને પત્રથી આવા ભ્રષ્ટ્ર અધિકારીઓ સામે ખ્ઘ્ગ્ મારફત તપાસ કરવા તેઓની મિલકત ની તપાસ કરવા જણાવી ચુકયો છું.
આપ જે રસ્તા પરથી પસાર થવાનાં છો તે અમરેલી વડી-ઠેબી ઉપર બનેલા બંને નવા પુલો એક પુલને ૮ વર્ષ થયા છે અને બીજા પિલને ૩ વર્ષ જેવો સમય થવા જઈ રહ્યો છે છતાપણ તેના સળીયા રીતસર દેખાઈ ગયા છે, આ બાબતે તંત્રના પેટનું પાણી હલતું નથી. આપ સતત આ બાબતે ચિંતા કરી રોષ વ્યક્ત કરો છો, છતાઇ ગઈકાલે આ રસ્તા ઉપર જે ઠીગડા કરવા માટેના કામ કર્યા છે તે પણ મને લાગે છે કે ૧૫ દિવસથી વધારે ચાલશે નહી. રાતો-રાત રસ્તાનાં પેચ કરી વાહનો પસા૨ પણ થઈ રહ્યાં છે.
અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા નો લુખ્ખા તત્વો દ્વારા ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે, બહેન દિકરીઓની સલામતી જોખમાઇ રહી છે, તાજેતરમા જે અમરેલીની એક દિકરી ઉપર લુખ્ખા તત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે, અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વ્યવસ્થિત જળવાઇ રહે તે અંગે પણ તંત્રને જરૂરી આદેશો કરવા વિરજીભાઇ ઠુંમરે માંગ કરી છે
(12:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
