<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

800 બહેનોએ દીવડા લઈ શ્રી યમુનામૈયાની આરતી ઉતારી

વૈષ્ણવ ખેલૈયાઓ માટે રાજ શૃંગાર પાર્ટી પ્લોટમાં શ્રી કૃષ્ણશ્રય હવેલી દ્વારા આયોજિત રાસોત્સવમાં અલૌકિક દ્રશ્યોના દર્શન:ખેલૈયા અને વૈષ્ણવો ભાવ વિભોર

(વિજય વસાણી દ્વારા)આટકોટ તા. 25 ગૌ.શ્રી કનૈયાલાલ મહારાજ ટ્રસ્ટ અને શ્રી કૃષ્ણાશ્રય હવેલીના સંયુક્ત ઉપક્રમે ચાલતા રાસોત્સવમાં ગઈકાલે એક સાથે 800 બહેનોએ હાથમાં દીવડા લઈ શ્રી યમુનામૈયાની આરતી ઉતારતા ઉપસ્થિત વૈષ્ણવોએ અલૌકિક આનંદનો અનુભવ કર્યો હતો.

ગૌ.શ્રી કનૈયાલાલ મહારાજ ટ્રસ્ટ અને શ્રીકૃષ્ણ્રાશ્રય હવેલીના સંયુક્ત ઉપક્રમે સત્સંગ સેતુ પુષ્ટિ વિલાસ દ્વારા રાજ શૃંગાર પાર્ટી પ્લોટ ખાતે વૈષ્ણવ પરિવાર માટે ચાલતા રાસોત્સવમાં ઞઈ કાલે 800 થી વધુ બહેનોએ દીવા રાસ રજૂ કર્યો હતો. 

આ દીવડા રાસમાં કીર્તનકાર ભરતભાઈ ધીનોજા,ભગીરથદાન ગઢવી તથા તેમના વૃંદ દ્વારા યમુના મૈયાના કીર્તન બાદ યમુનામૈયાની આરતી ચાલુ કરતા સમગ્ર પાર્ટી પ્લોટ માં ઉપસ્થિત હજારો વૈષ્ણવો અત્યંત ભાવવિભોર થઈ ઞયા હતા અને સૌને સાક્ષાત માં યમુનાની આરતી ઉતારવાનો અને નિહાળવાનો લ્હાવો પ્રાપ્ત થયો હતો.

 

ઉલ્લેખની છે કે આગામી 30 તારીખ સુધી ચાલનારા આ રાસોત્સવમાં પ્રવેશ નિશુલ્ક રાખવામાં આવ્યો છે ઉપરાંત રોજ રાત્રે ગરબે ઘૂમતા ખેલૈયાઓ માટે અને આ રાસોત્સવના દર્શનને લાભ લેવા આવતા દરેક વૈષ્ણવો માટે આયોજકો દ્વારા કલેઉ(અલ્પાહાર) ની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

આ રાસોત્સવમાં જોડાવા શ્રી કૃષ્ણાશ્રય હવેલીના આચાર્ય અક્ષયકુમાર મહારાજ,આચાર્ય રમણેશકુમાર મહારાજ,શ્રી કૃષ્ણાશ્રય હવેલી અને સત્સંગ સેતુ પુષ્ટિ વિલાસ દ્વારા યાદીમાં જણાવ્યું છે.

આ સુંદર અને અલૌકિક રાસલીલાને સફળ બનાવવા શ્રી કૃષ્ણાશ્રય હવેલીના સ્વયંસેવકો અને વૈષ્ણવો ખૂબ જ જાહેમત ઉઠાવી રહ્યા છે.

(2:01 PM IST)