News of Thursday, 25th September 2025
અદાણીની ખાવડા હળવદ વીજ લાઈન મુદ્દે ફરી ઘર્ષણ: ખેડૂત આંદોલન સામે પોલીસ દ્વારા અટકાયતનો આક્ષેપ
ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ, ખેતીની જમીનમાંથી નીકળતી વીજ લાઈનના વળતર મુદ્દે કલેક્ટર સાથેની મધ્યસ્થી બાદ પણ ઉકેલ નહીં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છના ભચાઉના વાંઢિયા ગામના ખેડૂતો અને અદાણી કંપની વચ્ચે ખાવડા હળવદ વીજ લાઇન મુદ્દે ફરી ઘર્ષણ થયું છે. અદાણી કંપનીની ૭૫૦ કેવી ની વીજ લાઇન ખેતરોમાંથી પસાર થાય છે. જેના પરિણામે ખેતીની જમીનને મોટું નુકસાન થતું હોઈ ખેડૂતો કંપની પાસે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે. જોકે, આ મુદ્દે ખેડૂતોના પક્ષે ભારતીય કિસાન સંઘ દ્વારા પણ ઉગ્ર વિરોધ દર્શાવી રૂબરૂ જિલ્લા કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી. યોગ્ય વળતર આપવાની માંગ સાથે સ્થાનિક ખેડૂતો સાથે ભારતીય કિસાન સંઘનું વિરોધ પ્રદર્શન ચાલુ જ છે. તેમાં આજે પોલીસ દ્વારા ખેડૂત પુરુષો અને મહિલાઓની અટકાયત કરાયાનો આક્ષેપ કરાયો છે. ૪૦ થી ૪૫ જણ ની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળે છે.
દરમ્યાન અદાણી કંપની વતી જયદીપ શાહે ખુલાસો કર્યો છે કે, કંપનીએ વીજ લાઇનનું કામ આગળ ધપાવવા પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. જ્યારે વળતરના મુદ્દે ખુલાસો કર્યો છે કે, જિલ્લા કલેક્ટર સાથેની બેઠક પ્રમાણે અદાણી કંપની ખેડૂતોને સરકારી ધારાધોરણ પ્રમાણે વળતર ચૂકવવા તૈયાર છે.
જોકે, સામે પક્ષે ખેડૂતોનું માનવું છે કે ખેતી યોગ્ય જમીનનું યોગ્ય વળતર મળવું જોઈએ. ઘણો સમય થયો મડાગાંઠ અહીં વળતરના મુદ્દે જ અટકી છે.
દરમ્યાન મુન્દ્રાના ધ્રબ અને ઝરપરા તેમ જ લુણી ગામમાં ઘણા સમય પહેલા અદાણી કંપની સામે થયેલા વિવાદો બાદ ઘણા સમય પછી હવે અદાણી કંપની ભચાઉના વાંઢિયા ગામમાં ખેડૂતોના ઉગ્ર વિરોધને કારણે વિવાદમાં આવી છે
(6:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
