News of Thursday, 25th September 2025
સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીની નજીક જ બેફામ થતી રેતી ચોરી
તંત્ર સામે ઉઠ્યા અનેક સવાલઃઆ રેતી ચોરી માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પરંતુ પર્યાવરણને પણ ગંભીર નુક્સાન પહોંચાડી રહી છે

સુરેન્દ્રનગર,તા.૨૫
સુરેન્દ્રનગરમાં સરકારી તંત્રની બેદરકારી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે આંખ આડા કાન કરવાની હકીકત ફરી એકવાર ઉજાગર થઈ છે. શહેરના હૃદય સમાન ગણાતી કલેક્ટર કચેરીથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ આવેલી ભોગાવો નદીમાંથી દિવસના અજવાળામાં બેફામ રેતી ચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને પ્રામાણિકતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. કલ્પના કરો કે જ્યાં જિલ્લાના મુખ્ય અધિકારીઓ જેમ કે કલેક્ટર, ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ અને પોલીસ અધિક્ષકની કચેરીઓ આવેલી છે ત્યાં જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે.
આ સ્થિતિ સૂચવે છે કે કાં તો તંત્રને આ ગેરકાયદેસર ખનન વિશે કોઈ જાણકારી નથી અથવા તો જાણી જોઈને આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ભોગાવો નદીમાંથી ટ્રેક્ટર મારફતે રેતીનું ખનન કરીને તેને શહેરમાં વેચવામાં આવી રહી છે. આ રેતી ચોરી માત્ર કાયદાનું ઉલ્લંઘન નથી પરંતુ પર્યાવરણને પણ ગંભીર નુક્સાન પહોંચાડી રહી છે. નદીના તળિયામાંથી રેતી કાઢવાથી જમીનનું ધોવાણ થાય છે અને જળસ્રોતોને પણ નુકસાન થાય છે.
આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ માંગ કરી રહ્યા છે કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર તાત્કાલિક ધોરણે રોક લગાવવામાં આવે અને જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ ઘટના વહીવટી તંત્ર માટે એક કડક ચેતવણી સમાન છે અને જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
