<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

સુરેન્‍દ્રનગરમાં સફાઈ ઝૂંબેશઃ ૮૦ ફૂટ રોડ, ઉદ્યોગનગર સહિતના મુખ્‍ય માર્ગો પરથી દબાણ દૂર કરાયું!

વઢવાણ, તા.૨૬: સુરેન્‍દ્રનગર નગરપાલિકા દ્વારા શહેરને વધુ વ્‍યવસ્‍થિત અને સ્‍વચ્‍છ બનાવવાના હેતુથી દબાણ હટાવવાની મેગા કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મુખ્‍ય માર્ગો અને જાહેર સ્‍થળો પર વધી ગયેલા દબાણોને કારણે ટ્રાફિક અને જાહેર જનતાને પડતી મુશ્‍કેલીઓનો અંત લાવવા આ ઝુંબેશ શરૂ કરાઈ છે. આ કામગીરી અંતર્ગત શહેરના મહત્‍વના ગણાતા ૮૦ ફૂટ રોડ અને ઉદ્યોગનગર વિસ્‍તારના ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્‍યા છે, જેથી માર્ગો ખુલ્લા થયા છે અને વાહનવ્‍યવહાર સરળ બન્‍યો છે.આ ઉપરાંત, ધાર્મિક અને ઐતિહાસિક મહત્‍વ ધરાવતા દેશળ ભગતની વાવ વિસ્‍તાર અને મુખ્‍ય જંકશન ગણાતા ભક્‍તિનંદન સર્કલ પરના દબાણો પણ હટાવીને વિસ્‍તારને રાહત આપવામાં આવી છે.

દબાણ હટાવવા ઉપરાંત, સુરેન્‍દ્રનગર મનપાએ સ્‍વચ્‍છતા જાળવવા માટે પણ સખ્‍ત વલણ અપનાવ્‍યું છે. જાહેર સ્‍થળો પર ગંદકી ફેલાવતા અને ગમે ત્‍યાં કચરો ફેંકતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મનપાની ટીમે ખાસ કરીને વેપારીઓને નિશાન બનાવ્‍યા છે જેઓ પોતાની દુકાનનો કચરો જાહેર માર્ગો પર કે ફૂટપાથ પર ફેંકીને ગંદકી ફેલાવતા હતા. આવા બેજવાબદાર વેપારીઓને સ્‍થળ પર જ દંડ ફટકારવામાં આવ્‍યો છે.

મનપાની ટીમોએ સ્‍પષ્ટ કરી દીધું છે કે, કાયદાનું ઉલ્લંઘન કરનાર કે જાહેર સ્‍થળો પર દબાણ કરનારને હવે બક્ષવામાં આવશે નહીં. આ કાર્યવાહી શહેરને સુવ્‍યવસ્‍થિત બનાવવાની દિશામાં એક મહત્‍વપૂર્ણ પગલું છે. 

(10:17 AM IST)