News of Friday, 26th September 2025
અદાણીની ખાવડા હળવદ વીજ લાઈન મુદ્દે કચ્છમાં ફરી ઘર્ષણ : ખેડૂત આંદોલન સામે પોલીસ દ્વારા બળજબરી સાથે અટકાયતનો આક્ષેપ
મહિલાઓ સહિત ૬૦ જેટલા ખેડૂતોની અટકાયત, વળતર મુદ્દે કલેક્ટર સાથેની મધ્યસ્થી બાદ પણ કંપની દ્વારા ઉકેલ નહીં, ભારતીય કિસાન સંઘનો ઉગ્ર વિરોધ

(વિનોદ ગાલા દ્વારા ભુજ) કચ્છના ભચાઉના વાંઢિયા ગામના ખેડૂતો અને અદાણી કંપની વચ્ચે ખાવડા હળવદ વીજ લાઇન મુદ્દે ફરી ઘર્ષણ થયું છે. અદાણી કંપનીની ૭૫૦ કેવી ની વીજ લાઇન ખેતરોમાંથી પસાર થાય છે. જેના પરિણામે ખેતીની જમીનને મોટું નુકસાન થતું હોઈ ખેડૂતો કંપની પાસે યોગ્ય વળતરની માંગણી કરી રહ્યા છે. જોકે, આ મુદ્દે ખેડૂતોના પક્ષે ભારતીય કિસાન સંઘ દ્વારા પણ ઉગ્ર વિરોધ દર્શાવી રૂબરૂ જિલ્લા કલેક્ટર સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી. યોગ્ય વળતર આપવાની માંગ સાથે સ્થાનિક ખેડૂતો સાથે ભારતીય કિસાન સંઘનું વિરોધ પ્રદર્શન ચાલુ જ છે. તેમાં ગઈકાલે પોલીસ દ્વારા ખેડૂત પુરુષો અને મહિલાઓની અટકાયત કરાયાનો આક્ષેપ કરાયો છે. ૬૦ જણ ની અટકાયત કરાઈ હોવાનું જાણવા મળે છે.
દરમ્યાન અદાણી કંપની વતી જયદીપ શાહે ખુલાસો કર્યો છે કે, કંપનીએ વીજ લાઇનનું કામ આગળ ધપાવવા પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે. જ્યારે વળતરના મુદ્દે ખુલાસો કર્યો છે કે, જિલ્લા કલેક્ટર સાથેની બેઠક પ્રમાણે અદાણી કંપની ખેડૂતોને સરકારી ધારાધોરણ પ્રમાણે વળતર ચૂકવવા તૈયાર છે.
જોકે, સામે પક્ષે ખેડૂતોનું માનવું છે કે ખેતી યોગ્ય જમીનનું યોગ્ય વળતર મળવું જોઈએ. ઘણો સમય થયો મડાગાંઠ અહીં વળતરના મુદ્દે જ અટકી છે. જોકે, અદાણી કંપની દ્વારા લાંબા સમયથી ચાલતા આ વાંઢિયા ગામના જમીન સંપાદન, ખેડૂતોના વિરોધ, કપની દ્વારા વળતર અંગેની દરખાસ્ત સહિત આ સમગ્ર મુદ્દે મીડિયાને કોઈ સત્તાવાર પ્રેસનોટ કે માહિતી અપાઈ નથી. સામાન્ય રીતે અદાણી કંપની તેમના કચ્છના અન્ય સાહસો, કાર્યરત પ્રોજેક્ટો તેમ જ સીઆરએસ હેઠળની પ્રવળત્તિઓ સહિતની વિગતો મીડિયાને પ્રેસ રિલીઝ દ્વારા સત્તાવાર રીતે આપતી હોય છે.
દરમ્યાન મુન્દ્રાના ધ્રબ અને ઝરપરા તેમ જ લુણી ગામમાં ઘણા સમય પહેલા અદાણી કંપની સામે થયેલા વિવાદો બાદ ઘણા સમય પછી હવે અદાણી કંપની ભચાઉના વાંઢિયા ગામમાં ખેડૂતોના ઉગ્ર વિરોધને કારણે વિવાદમાં આવી છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
