News of Friday, 26th September 2025
જામકંડોરણાના સોડવદરની સીમમાં વાડીના રૂમમાં દંપતિ અને ૬ વર્ષની દિકરી પર હથોડીથી હુમલો
ગામનો જ એક શખ્સો હુમલો કરી ભાગી ગયોઃ બાળાને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડાઇઃ મુળ મધ્યપ્રદેશનું દંપતિ જુનાગઢ સારવાર હેઠળઃ હુમલાનું કારણ શોધવા, આરોપીને પકડવા પોલીસ કામે લાગી

રાજકોટ તા. ૨૬: જામકંડોરણાના સોડવદરની સીમમાં વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના યુવાન, તેના પત્નિ અને છ વર્ષની દિકરી પર રાત્રીના વાડીના રૂમમાં સુતા હતાં ત્યારે ગામના જ એક શખ્સે ઘુસી જઇ હથોડીથી હુમલો કરી ત્રણેયને લોહીલુહાણ કરી નાંખતાં દંપતિને જુનાગઢ હોસ્પિટલમાં અને ગંભીર ઇજાગ્રસ્ત છ વર્ષની દિકરીને રાજકોટ સારવાર માટે ખસેડાઇ છે. જાણવા મળ્યા મુજબ જામકંડોરણાના ઝાંઝમેર નજીક સોડવદર ગામની સીમમાં આવેલી મનસુખભાઇ મોહનભાઇ પટેલની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્યપ્રદેશના રાકેશ તોલસીંગ શીંગાડ (ઉ.વ.૨૭) પર રાતે તે વાડીના રૂમમાં હતો ત્યારે સોડવદર ગામમાં જ રહેતાં કોઇ અરવિંદ નામના શખ્સે ધસી આવે મારામારી કરી હતી અને ત્યાં પડેલી હથોડીથી હુમલો કરી ઇજા પહોંચાડતાં રાકેશે બૂમાબૂમ કરતાં તેની પત્નિ કતુબેન જાગી જતાં તેને પણ હથોડીના ઘા ફટકારતાં તે પણ લોહીલુહાણ થઇ ગઇ હતી.વધુ મારથી બચવા આ દંપતિ દોટ મુકી રૂમ બહાર ભાગતાં એ દરમિયાન તેની ૬ વર્ષની દિકરી રાયકુ રાકેશ શીંગાડ જાગી જતાં અને તેણી રડવા માંડતાં હુમલાખોર તેના ઉપર પણ હથોડીથી તૂટી પડયો હતો અને આડેધડ ઘા મારી ભાગી ગયો હતો. બનાવની જાણ થતાં વાડી માલિક સહિતના લોકો પહોંચી ગયા હતાં અને ત્રણેયને સારવાર માટે જુનાગઢ ખસેડયા હતાં. ત્યાંથી બાળકી રાયકુને વધુ સારવાર માટે બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ ચાવડાએ જામકંડોરણા પોલીસને જાણ કરી હતી. મુળ એમપની રાકેશ શીંગાડ આઠેક વર્ષથી પરિવાર સાથે વાડીમાં રહી મજૂરી કરે છે. હુમલો શા માટે થયો? તે અંગે તે જાણતો ન હોઇ પોલીસે તપાસ શરૂ કરી છે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
