News of Friday, 26th September 2025
રૈયા રોડ ના પ્રવિણભાઇ વિઠલાપરાનું ધ્રોલ પાસે વાહન અકસ્માતમાં મૃત્યુ
એક્ટીવા હંકારી મંદિરે દર્શન કરવા જતાં હતાં ત્યારે બનાવઃ સારવારમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૬: ધ્રોલ નજીક કારે એક્ટીવાને ઉલાળી દેતાં એક્ટીવાચાલક રાજકોટના વૃધ્ધનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. તેઓ ધ્રોલ નજીક જલારામ મંદિર ખાતે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ રૈયા રોડ પ ર જે. કે. પાર્કમાં રહેતાં પ્રવિણભાઇ કલ્યાણજીભાઇ વિઠલાપરા (ઉ.વ.૬૬) તા. ૨૩/૯ના રોજ પોતાનું એક્ટીવા હંકારી ધ્રોલ નજીક આવેલા જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જઇ રહ્યા હતાં ત્યારે ધ્રોલ નજીક કોઇ કારના ચાલકે ઠોકરે ચડાવી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે જામનગર અને બાદમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગત રાતે મોત થયું હતું. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. મયુરસિંહ જાડેજા અને ભાવેશભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.
કુવાડવા પીપળીયાના શૈલેષભાઇ ગોઢાણીયાનું હૃદય બેસી જતાં મોત
બીજા બનાવમાં કુવાડવાના પીપળીયા ગામે રહેતાં શૈલેષભાઇ રાયસીંગભાઇ ગોઢાણીયા (ઉ.વ.૪૪)ને છાતીમાં દુઃખાવો ઉપડતાં બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના કરમશીભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
