<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

વિસાવદર યાર્ડ ચેરમેનની માંગ : સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ૧ ખેડુત દીઠ ૪૦૦૦ કિ.ગ્રા. ખરીદવા બાબતે ત્વરિત નિર્ણય કરો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર: વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-યાર્ડના ચેરમેન વિનુભાઇ હપાણીએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી જણાવેલ છે કે, ચાલું વર્ષે ગુજરાત રાજયમાં ખેડુતોએ ચાલુ વર્ષે મગફળીનું ખુબ મોટા પ્રમાણમાં વાવેતર કરેલ છે અને મગફળીનું ઉત્પાદન પણ ખુબ મોટા પ્રમાણમા થવાનું છે. હાલ મગફળીના ભાવ ટેકાના ભાવ કરતા ખુબ નીચા છે. ખેડુતોને મગફળી ઉત્પન્ન કરવાનો ખર્ચ જેવો કે બિયારણ, રાસાયણીક ખાતર, ખેત મજુરીનો જે ખર્ચ થાય તે હાલના બજાર ભાવે કોઈ સંજોગોમાં પરવડે તેમ નથી. ઉત્પાદન ખર્ચ વધુ થતો હોવાને કારણે ખેડુતોને પોષણક્ષમભાવ ન મળવાને કારણે મોટું નુકસાન યાય તેમ છે. સરકાર દ્વારા ગુજરાતના ખેડુતોની ખેડુત દીઠ મગફળી ૪૦૦૦ કિલો ખરીદવામાં આવે તો ગુજરાતના ખેડુતોને મોટી રાહત અને મદદ મળી શકે. ગત વર્ષે પણ સરકાર દ્વારા ખેડુત દીઠ ૪૦૦૦ કિલો મગફળી ની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવેલી હતી.

    તે ઉપરાંત આપ મુખ્યમંત્રીના માધ્યમથી કેન્દ્ર સરકારને દરમિયાનગીરી કરવાની કે હાલ નાફેડ દ્વારા ગત વર્ષે ખરીદ કરાયેલા મગફળીનું વેચાણ બંધ કરવુ જોઈએ અને આયાતી ખાદ્યતેલ ઉપર ડયુટી વધારી દેવી જોઈએ જેથી કરીને હાલ જે મગફળીના ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં નીચા ભાવ છે તેમાં ઘણીખરી રાહત મળી શકે. તે ઉપરાંત ચાલુ વર્ષે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની છે તેમાં ખરીદી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે બારદાન અને ગોડાઉનની વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા આગોતરૂ આયોજન થાય તેવું પણ આયોજન કરવુ જરૂરી છે કારણ કે ઝડપી ખરીદી પ્રક્રિયા પૂર્ણ થાય તેથી ખેડુતોએ વેચેલ મગડળીનું પેમેન્ટ પણ ઝડપથી મળી રહે તેની પણ ચિંતા કરવી જરૂરી છે. ગુજરાત રાજયના ખેડુતોને સરકાર દ્વારા મદદ મળી રહે તેવું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવે તેવી ગુજરાત રાજયના ખેડુત વતી અમારી રજુઆત છે તેમ યાર્ડ ચેરમેન વિનોદકુમાર એસ.હપાણીએ જણાવ્યું છે.

(7:41 PM IST)