News of Friday, 26th September 2025
સાયલામાં નજીવી બાબતે પરપ્રાંતીય યુવકની હત્યા
મૃતક પીદીયા સંગોડ મૂળ MPનો રહેવાસી હતોઃબબાલ ઉગ્ર બનતાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દેવાયો

સુરેન્દ્રનગર,તા.૨૬
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ડોળિયા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં નજીવી બાબતે થયેલી બબાલમાં એક યુવક પર હુમલો કરીને તેને કૂવામાં ધકેલી દેવાયો હતો. આ ઘટનામાં કૂવામાં ખાબકવાના કારણે યુવકનું કરૃણ મૃત્યુ નીપજ્યું છે. મૃતક યુવકની ઓળખ પીદીયા સંગોડ તરીકે થઈ છે. જે મૂળ મધ્યપ્રદેશ રાજ્યના જમ્બવા ગામનો રહેવાસી હતો. કોઈક નજીવી બાબતને લઈને બબાલ થઈ હતી.આ બબાલ ઉગ્ર બનતાં યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને કૂવામાં ધક્કો મારી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ સાયલા પોલીસ પણ તાત્કાલિક ડોળિયા ગામે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સ્થાનિકોની મદદથી યુવકને કૂવામાંથી બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
ત્યારબાદ પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલો કરનાર આરોપીઓને ઝડપી પાડવા અને હત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે કવાયત શરૃ કરી છે. પરપ્રાંતીય યુવકની હત્યાની આ ઘટનાએ ડોળિયા ગામમાં ચકચાર જગાવી દીધી છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
