તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખેડુત દીઠ ૪૦૦૦ કિ.ગ્રા. ખરીદવા બાબતે ત્વરિત નિર્ણય કરો
વિસાવદર યાર્ડ ચેરમેનની માંગ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર, તા.૨૭: વિસાવદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-યાર્ડના ચેરમેન વિનુભાઇ હપાણીએ મુખ્યમંત્રીશ્રી સમક્ષ લેખિત રજૂઆત કરી જણાવેલ છે કે, હાલ મગફળીના ભાવ ટેકાના ભાવ કરતા ખુબ નીચા છે. ખેડુતોને મગફળી ઉત્પન્ન કરવાનો ખર્ચ જેવો કે બિયારણ, રાસાયણીક ખાતર, ખેતમજુરીનો જે ખર્ચ થાય તે હાલના બજાર ભાવે કોઈ સંજોગોમાં પરવડે તેમ નથી. ઉત્પાદન ખર્ચ વધુ થતો હોવાને કારણે ખેડુતોને પોષણક્ષમભાવ ન મળવાને કારણે મોટું નુકસાન થાય તેમ છે. સરકાર દ્વારા ગુજરાતના ખેડુતોની ખેડુત દીઠ મગફળી ૪૦૦૦ કિલો ખરીદવામાં આવે તો ગુજરાતના ખેડુતોને મોટી રાહત અને મદદ મળી શકે. ગત વર્ષે પણ સરકાર દ્વારા ખેડુત દીઠ ૪૦૦૦ કિલો મગફળી ની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવેલી હતી. તે ઉપરાંત હાલ નાફેડ દ્વારા ગત વર્ષે ખરીદ કરાયેલા મગફળીનું વેચાણ બંધ કરવુ જોઈએ અને આયાતી ખાદ્યતેલ ઉપર ડયુટી વધારી દેવી જોઈએ જેથી કરીને હાલ જે મગફળીના ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં નીચા ભાવ છે તેમાં ઘણીખરી રાહત મળી શકે. તે ઉપરાંત ચાલુ વર્ષે જે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની છે તેમાં ખરીદી પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે બારદાન અને ગોડાઉનની વ્યવસ્થાઓ ઉભી કરવા માટે સરકાર દ્વારા આગોતરૂ આયોજન કરવુ જરૂરી છે કારણ કે ઝડપી ખરીદી પ્રક્રિયા પૂર્ણ થાય તેથી ખેડુતોએ વેચેલ મગફળીનું પેમેન્ટ પણ ઝડપથી મળી રહે તેની પણ ચિંતા કરવી જરૂરી છે. ગુજરાત રાજયના ખેડુતોને સરકાર દ્વારા મદદ મળી રહે તેવું આયોજન રાજય સરકાર દ્વારા કરવામાં આવે તેવું જણાવ્યું છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
