તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th September 2025
યુવાનોને ‘રાષ્ટ્ર પ્રથમ'ના ધ્યેય સાથે કાર્ય કરવા મનસુખભાઇનું આહવાન
પોરબંદરની ગોઢાણીયા કોલેજમાં આત્મનિર્ભર ભારત યુવા સંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાનું સંબોધન : મનસુખભાઇ વર્ષ ર૦૩૦ના કોમન વેલ્થ ગેમ્સ : અને ૨૦૩૬ના ઓલિમ્પીકની તૈયારીની જવાબદારી સંભાળી રહયા છેઃ અર્જુનભાઇ મોઢવાડીયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૭ : વી.આર.ગોઢાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રમત ગમત, યુવા, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવીયાએ યુવાનોને આત્મનિર્ભર ભારત બનાવવા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત ૨૦૨૭ ના સંકલ્પને સાકાર કરવા રાષ્ટ્રપ્રથમના ધ્યેય સાથે કાર્ય કરવા જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ યુવા સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનો સાથે ભાષણ નહીં પરંતુ સંવાદ જરૂરી છે. તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અગત્યની ગણાવી હતી. વિકસિત ભારત બનાવવા માટે સૌપ્રથમ આત્મનિર્ભર ભારત બનાવવું જરૂરી છે. તેના માટે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી અપનાવવું આવશ્યક છે. મહાત્મા ગાંધીજીએ સ્વદેશીનો ખ્યાલ આપ્યો હતો.
પોરબંદરના ઇતિહાસ સાથે સંકળાયેલા વેપાર, અમદાવાદના મસ્કતી બજારના ઉદાહરણ તથા આઝાદી સંઘર્ષ દરમિયાન લાખો યુવાનો દ્વારા આપેલી શહાદતને યાદ કરતાં મંત્રી મનસુખભાઇએ જણાવ્યું હતું કે આજના યુવાનોએ દેશ માટે જીવવુ પડશે. આગામી ૨૫ વર્ષમાં યુવાનો વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરશે.
સ્વામી વિવેકાનંદના વિચારોનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગેવાની લેતા એક લાખ યુવાનો તૈયાર કરવાની જવાબદારી સોંપી છે. માય ભારત પોર્ટલ મારફતે વિકસિત ભારત વિષે ક્વિઝ અને નિબંધ સ્પર્ધાનું આયોજન તથા યુવાનો દ્વારા કરાયેલા વડાપ્રધાન સમક્ષ પ્રેઝન્ટેશનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. સ્વદેશી અપનાવવાના લાભો સમજાવતાં વડાપ્રધાનના ઐતિહાસિક નિર્ણયોમાં કર્તવ્યપથ, નવું સંસદ ભવન, નવા કાયદા તેમજ સ્વદેશી હથિયારો અને સેટેલાઇટ્સ થકી દેશની આત્મનિર્ભરતા જેવા મુદ્દાઓ પર ભાર મૂકયો હતો.
મંત્રી મનસુખભાઇએ યુવાનોને રાષ્ટ્ર પ્રથમના સંકલ્પ સાથે કાર્ય કરવા આહવાન કરતાં જણાવ્યું હતું કે ભવિષ્યમાં તેઓ કોઈપણ સર્વોચ હોદ્દા પર હોય, તેમ છતાં ગામડાના છેવાડાના લોકોના હિતને પ્રાથમિકતા આપશે તો ભારતને વિકસિત બનતા કોઈ રોકી શકશે નહીં.
ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવીયા સહિત ઉપસ્થિત મહાનુભવોનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, અમારા લોકસભા સાંસદમનસુખભાઈ માંડવીયા યુવાનો સાથે જોડાયેલા મંત્રી છે.
વર્ષ ૨૦૩૦ના કોમનવેલ્થ ગેમ્સ તથા ૨૦૩૬ના ઓલિમ્પિક્સની તૈયારીઓની મહત્વપૂર્ણ જવાબદારી પણ મનસુખભાઈ સંભાળી રહ્યા છે. તેમણે યુવાનોને પ્રોત્સાહન, માર્ગદર્શન તથા દિશા-સૂચન આપતા વી.આર. ગોઢાણીયા સંસ્થાના યોગદાનની પણ પ્રશંસા કરી.
કાર્યક્રમ દરમ્યાન કોન બનેગા કરોડપતિ શોમાં સહભાગી થયેલા જીગ્નાબેન અને વી. આર. ગોઢાણીયા કોલેજના એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર , વી.આર. ગોઢાણીયા કોલેજના ટ્રસ્ટી વિરમભાઈ ગોઢાણિયા, ટ્રસ્ટી જયશ્રીબેન ગોઢાણીયા, જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદી, જિલ્લા કલેકટર એસડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, અગ્રણી અશોકભાઈ મોઢા સહિત સંલગ્ન અધિકારીઓ, શિક્ષકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
