<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ભાણેજવહૂને દશેરા દેવા જતી વખતે રાજકોટના વૃધ્‍ધા જીવતીબેન પણસારાનું અકસ્‍માતમાં મૃત્‍યુ

ગોંડલના ડોડીયાળા ગામે જઇ રહ્યા હતાં: મોવૈયા-શ્રીનાથગઢ વચ્‍ચે કાર ઝાડમાં અથડાઇઃ ન્‍યુ લાલબહાદુર સોસાયટીના પરિવારમાં ગમગીની

 

 

રાજકોટ તા. ૨૯: ગોંડલના મોવૈયા અને શ્રીનાથગઢ વચ્‍ચે ચાર દિવસ પહેલા કાર ઝાડ સાથે અથડાતાં તેમાં બેઠેલા રાજકોટના ઢેબર રોડ અટીકા ન્‍યુ લાલબહાદુર સોસાયટીના વૃધ્‍ધાને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મૃત્‍યુ થયું છે. તેઓ જમાઇના દિકરાનું સગપણ કર્યુ હોઇ ડોડીયાળા ગામે જમાઇ સહિતની સાથે ભાણેજવહૂને દશેરા આપવા જઇ રહ્યા હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

પ્રાપ્‍ત વિગત મુજબ અટીકા ન્‍યુ લાલબહાદુર સોસાયટીમાં રહેતાં જીવતબેન કનુભાઇ પણસારા-પટેલ (ઉ.વ.૭૯) નામના વૃધ્‍ધા ગત ૨૫મીએ પોતાના જમાઇ રમેશભાઇ સવજીભાઇ ગીણોયા અને પરિવારના અન્‍ય મહિલા સભ્‍ય સહિતની સાથે કારમાં બેસી ગોંડલના ડોડીયાળા ગામે જઇ રહ્યા હતાં ત્‍યારે શ્રીનાથગઢ-મોવૈયા વચ્‍ચે કાર ઝાડ સાથે અથડાઇ જતાં જીવતીબેનને ગંભીર ઇજા પહોંચી હતી. અન્‍ય એક મહિલાને પણ સામાન્‍ય ઇજા થઇ હતી. જ્‍યારે જમાઇનો બચાવ થયો હતો.

જીવતીબેનને સારવાર માટે દાખલ કરાયા હતાં. તેમણે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ મારફત આ અંગે સુલતાનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃત્‍યુ પામનાર જીવતીબેનના જમાઇના દિકરાનું ડોડીયાળા સગપણ થયું હોઇ ભાણેજવહૂને દશેરા દેવા માટે તેઓ જમાઇ સહિતની સાથે જઇ રહ્યા હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. (૧૪.૬)

 

(10:54 AM IST)