<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

પાળીયાદ પાસે ટ્રક- ખાનગી બસ વચ્‍ચે અકસ્‍માતઃ૩ મોતઃ ૨૦ને ઇજા

ઉમરાળા ગામના ૩ વ્‍યકિતના મોતથી અરેરાટીઃ બસમા ખોડલધામ કાગવડ, વિરપુર જતા હતા ત્‍યારે દુર્ઘટના સર્જાઇ

આટકોટઃ તસ્‍વીરમાં પાળીયાદ પાસે સર્જાયેલ અકસ્‍માતના બંને અકસ્‍માતગ્રસ્‍ત વાહનો નજરે પડે છે. (તસ્‍વીરઃ વિજય વસાણી-આટકોટ) 

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૯: બોટાદ જિલ્લાના પાળીયાદથી સાકરડી ગામના માર્ગ પર ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો છે. એક ટ્રક અને ખાનગી લક્‍ઝરી બસ વચ્‍ચે થયેલા અકસ્‍માતમાં ત્રણ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા હતા, જ્‍યારે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્‍તોને બોટાદ અને ભાવનગરની હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે.

આ  ગમખ્‍વાર અકસ્‍માતની પ્રાપ્ત થતી માહિતી મુજબ ખાનગી બસમાં મહિલાઓ ખોડલધામ કાગવડ-વીરપુરના પ્રવાસે ગઈ હતી. અને પરત ફરતા બોટાદના પાળિયાદ નજીક અકસ્‍માત સર્જાયો હતો જેમાં  ૩ લોકોના ઘટનાસ્‍થળે જ મોત થયા છે. બીજા લોકોને માથામાં અને હાથે-પગે વાગ્‍યું છે. બસમાં ૫૦થી ૬૦ જેટલા લોકો હતા. ખોડલધામ કાગવડ અને વીરપુરના પ્રવાસે જવા નીકળ્‍યા હતા. ૨૦ થી વધુ મુસાફરોને ઈજા થઈ છે.

આ અકસ્‍માતમાં મળત્‍યુ પામનારાઓમાં વલ્લભભાઈ વશરામભાઈ ગોહિલ, અલ્‍પેશભાઈ બચુભાઈ વસાણી અને મુકેશભાઈ બુધાભાઈ (તમામ રહે ઉમરાળા ગામ) ના હોવાનું જાણવા મળેલ છે. ઇજાગ્રસ્‍તોને ૧૦૮ ઇમરજન્‍સી દ્વારા બોટાદ અને ભાવનગર ની હોસ્‍પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતા જ બોટાદ પોલીસ ઘટના સ્‍થળે દોડી આવી હતી.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ અકસ્‍માત સાકરડી રોડ પર થયો હતો. રોડ પર ઉભેલા એક ટ્રકની પાછળ પૂરઝડપે આવી રહેલી ખાનગી લક્‍ઝરી બસ ધડાકાભેર ઘૂસી જતાં આ ગમખ્‍વાર બનાવ બન્‍યો હતો.

ઘટનાની જાણ થતાં જ સ્‍થાનિક લોકો અને પોલીસની ટીમ તાત્‍કાલિક ઘટનાસ્‍થળે પહોંચી હતી અને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્‍તોને તાત્‍કાલિક સારવાર માટે બોટાદ અને ભાવનગરની હોસ્‍પિટલોમાં ખસેડવામાં આવ્‍યા છે. જ્‍યારે મળતદેહોને પોસ્‍ટમોર્ટમ માટે પાળીયાદ અને બોટાદની હોસ્‍પિટલમાં મોકલી દેવાયા છે. પોલીસે આ અકસ્‍માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે

(3:19 PM IST)