<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

ભરૂડી ટોલનાકા પાસે ટ્રેકટરે ટુવ્‍હીલરને ઉલાળતાં રાજકોટના સત્તર વર્ષના ક્રિશ સાવલીયાનું મોત

આઇટીઆઇમાં રજા હોઇ પિતાની ફેક્‍ટરીએ ગયો હતોઃ હોટલેથી ટિફીન લઇને જતો હતો ત્‍યારે બનાવઃ ભવનાથ સોસાયટીના પરિવારજનોમાં ગમગીની

 

 

રાજકોટ તા. ૨૯: શહેરના હરિ ધવા રોડ પર ભવનાથ સોસાયટીમાં રહેતાં અને આઇટીઆઇમાં અભ્‍યાસ કરતાં ૧૭ વર્ષના  વિદ્યાર્થીનું ગોંડલના ભરૂડી ટોલનાકા નજીક  ટ્રેકટરની ઠોકરે ટુવ્‍હીલર સહિત ચડી જવાથી ગંભીર ઇજા થતાં મૃત્‍યુ થયું છે. રવિવારની રજા હોઇ જેથી તે ભરૂડી પિતાના કારખાને આટો મારવા ગયો હતો. જ્‍યા સામેના રોડ પર હોટલેથી ટિફીન લઇ કારખાના તરફ જતો હતો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ભવનાથ સોસાયટીમાં રહેતો ક્રિશ રાજુભાઇ સાવલીયા (ઉ.વ.૧૭) રવિવારે બપોરે બે વાગ્‍યા આસપાસ ભરૂડી ટોલનાકા નજીક શક્‍તિમાન ફેક્‍ટરી નજીક ટુવ્‍હીલર સાથે રસ્‍તો ઓળગંતો હતો ત્‍યારે ટ્રેકટરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, પ્રકાશભાઇ રાઠોડ, ધર્મેન્‍દ્રભાઇ ચાવડાએ  બનાવની જાણ ગોંડલ તાલુકા પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર ક્રિશ બે ભાઇમાં મોટો હતો અને આઇટીઆઇમાં અભ્‍યાસ કરતો હતો. તેના પિતાને ભુણાવામાં ફેક્‍ટરી છે. રવિવારે આઇટીઆઇમાં રજા હોઇ પોતે પિતાની ફેક્‍ટરીએ ગયો હતો. ત્‍યાંથી નજીકની હોટલે ટિફીન લેવા ગયો અને પરત ફરતો હતો ત્‍યારે બનાવ બન્‍યો હતો. આશાસ્‍પદ દિકરાના મૃત્‍યુથી સાવલીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. (૧૪.૬)

(10:56 AM IST)