News of Monday, 29th September 2025
ખોડલધામના દર્શને આનંદીબેન પટેલઃ પરિવાર સાથે ધ્વજારોહણ કર્યુ : ઉપલેટામાં ડો.મનસુખભાઈ માંડવીયાના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત

રાજકોટઃ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે ગઇકાલે તેમના પુત્રી અનારબેન પટેલ સાથે શ્રી ખોડલધામ મંદિરના દર્શન કર્યા અને આ પ્રસંગે ધ્વજારોહણ કર્યું હતું. ખોડલધામના મોભીશ્રી નરેશભાઈ પટેલે આનંદીબેન પટેલનું સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા. નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સુપ્રસિદ્ધ યાત્રાધામ કાગવડ સ્થિત શ્રી ખોડલધામ મંદિરની મુલાકાત લીધી હતી. તેમની સાથે તેમના પુત્રી અનારબેન પટેલ પણ જોડાયા હતા. સાથે જ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ શ્રી ખોડલધામ મંદિરે મા ખોડલના દર્શન કર્યા હતા. આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલ સહિતના આગેવાનોએ તેમને ઉષ્માભેર આવકાર્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલે મા ખોડલના ભવ્ય મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. તેમણે સમાજ અને રાષ્ટ્રની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મંદિર પરિસરમાં તેમણે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા હાથ ધરવામાં આવતી વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવળત્તિઓની જાણકારી મેળવી હતી અને તેની સરાહના કરી હતી. આનંદીબેન પટેલ અને તેમના પુત્રી અનારબેન પટેલના હસ્તે માતાજીના મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવાનો પવિત્ર લ્હાવો પણ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડૉ. મનસુખભાઈ માંડવિયાના ઉપલેટામાં ગોરસ જનસંપર્ક કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ તકે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા સહિતના હાજર રહ્યા હતા. (તસ્વીર : અહેવાલઃ કિશન મોરબીયા-વિરપુર (જલારામ)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
