<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

કચ્છમાં બે માર્ગ અકસ્માતમાં ૪ મોત: ભુજ પાસે સાસુ જમાઈ, ભચાઉ પાસે માતા પુત્રએ જીવ ગુમાવ્યો

છકડો રીક્ષા ચાલક સહિત ત્રણ ને ઇજાઓ પહોંચી : પોલીસે બંને બનાવોની તપાસ હાથ ધરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૯ : કચ્છમાં અકસ્માતના વધતા બનાવોના કારણે રાજમાર્ગો રક્તરંજિત બનવાનો સિલસિલો અટકવાનું નામ નથી લેતો. ભુજ અને ભચાઉ નજીક સર્જાયેલા અકસ્માતના બે અલગ બનાવોમાં ચાર જણના અરેરાટીભર્યા મોત નીપજ્યા હતા. ભુજના લોરિયા ગામ પાસે ટ્રેલરે બાઇકને હડફેટે લેતા ૪૫ વર્ષીય હમીદાબેન અઝીઝ શેખ અને ૨૦ વર્ષીય ઈરફાન મામદહુસેન શેખને ગંભીર ઇજાઓ થઈ હતી પરંતુ સારવાર દરમ્યાન તેમના મોત નિપજ્યા હતા. મૃતક બંને સુમરાસર ગામના રહેવાસી હતા અને સબંધમાં સાસુ જમાઈ હતા. સાસુની તબિયત ખરાબ હોઈ નજીક ઝુરા ગામે દવા લેવા જતા હતા. અકસ્માતનો બીજો જીવલેણ બનાવ ભચાઉ સામખિયાળી હાઇવે ઉપર છાડવારા ગામ પાસે બન્યો હતો. જેમાં મજૂરી કામ કરી છકડો રિક્ષામાં પરત ફરી રહેલા પરિવારને ટ્રેલરે હડફેટે લેતા છકડો રીક્ષા રોડ ઉપર ઉભેલ ટ્રકને ટક્કર મારી પલટી ખાઈ ગઈ હતી. જેના કારણે પ્રૌઢ વયના મધુબેન રણછોડ કોલી અને તેમના પુત્ર બાબુ રણછોડ કોલીના ગંભીર ઇજાઓના કારણે મોત નિપજ્યા હતા. છકડો રીક્ષા ચાલક સહિત ત્રણ ને ઇજાઓ પહોંચી હતી. પોલીસે બંને બનાવોની તપાસ હાથ ધરી છે.

(11:33 AM IST)