<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th September 2025

મારી પાસે ચાર ‘સ' હતાઃ પાંચમો ‘સ' સ્‍વજનનો પૂ. નમ્રમુનિ મહારાજે આપ્‍યોઃ અક્ષયકુમાર

રાષ્‍ટ્ર સંત પૂ. નમ્રમુનિ મ.સા.ના પપ માં જન્‍મોત્‍સવ પ્રસંગે પારસ ધામમાં ઉજવણી : અંબાણી પરિવાર પણ જુનાગઢ મહોત્‍સવમાં હાજર રહેનાર હતાઃ ઓનલાઇન દ્વારા આર્શીવાદ લઇ પ હજાર ગાયો પાળવાનો સંકલ્‍પ લેતા અનંત અંબાણી

જુનાગઢઃ હિન્‍દી ફિલ્‍મ જગતના સુપરસ્‍ટાર અક્ષય કુમાર આજે જુનાગઢના મહેમાન બન્‍યા હતા. તેઓએ પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબના આર્શીવાદ લીધા હતા. પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ સાથે અક્ષય કુમારે ધાર્મિક ચર્ચાઓ કરી હતી.(તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(૬.૧૦)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ર૯: જૈન સમાજના રાષ્‍ટ્ર સંત નમ્રમુનિ મહારાજ સાહેબનો ગઇકાલે ૫૫ મો જન્‍મ દિવસ મનાવવામાં આવ્‍યો હતો. જુનાગઢના  ભવનાથમાં આવેલા પારસધામમાં ચાતુર્માસ નિમિત્તે નમ્રમુનિ મહારાજ સાહેબ રોકાણ કરી રહ્યા છે. ત્‍યારે તેમના ૫૫ માં જન્‍મદિવસ નિમિત્તે બોલિવૂડ સ્‍ટાર અક્ષય કુમાર અને ગળહ રાજ્‍ય પ્રધાન હર્ષ સંઘવીએ જન્‍મદિવસ ઉજવણીના પ્રસંગમાં ખાસ હાજરી આપીને નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્‍યા હતા.

આ તકે રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના અનંત અંબાણી પણ ઓનલાઇન માધ્‍યમથી મહારાજ સાહેબના જન્‍મદિવસ ઉજવણી પ્રસંગમાં જોડાયા હતા અને તેમણે પણ નમ્રમુનિ મહારાજ સાહેબને જન્‍મદિવસની શુભકામના પાઠવીને તેમના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. પાછલા ચાર મહિનાથી ચાતુર્માસને લઈને નમ્રમુનિ મહારાજ સાહેબ ભવનાથમાં આવેલા પારસધામમાં બીરાજમાન છે.

એક મહિના પૂર્વે મહારાષ્‍ટ્રના નાયબ મુખ્‍યપ્રધાન એકનાથ શિંદે પણ નમ્રમુનિ મહારાજ સાહેબની મુલાકાતે ભવનાથ ખાતે આવી પહોંચ્‍યા હતા. ગઇકાલે અંબાણી પરિવાર ભવનાથ ખાતે હાજર રહેવાનો હતો. પરંતુ કોઈ કારણોસર તેમનો આ કાર્યક્રમ રદ થતાં અનંત અંબાણી ઓનલાઇન માધ્‍યમથી કાર્યક્રમમાં જોડાયા હતા.

ઓનલાઇન માધ્‍યમથી જન્‍મોત્‍સવ પ્રસંગમાં ઉપસ્‍થિત રહેલા રિલાયન્‍સ ઇન્‍ડસ્‍ટ્રીઝના અનંત અંબાણીએ ૫,૦૦૦ ગાયો પાળવાનો સંકલ્‍પ નમ્રમુનિ મહારાજ સાથે લીધો હતો. અંબાણી પરિવાર ૫૦ એમ્‍બ્‍યુલન્‍સ દર્દીઓના લાભાર્થે આપશે આવો નિર્ણય પણ અંબાણી પરિવારે કર્યો હતો. અનંત અંબાણીએ નમ્રમુનિ મહારાજ સાહેબ સાથે વાત કરતા જણાવ્‍યું હતું કે, તેને જીવન જીવવાનો પ્રાણવાયુ ગુરુ નમ્રમુનિ મહારાજ પાસેથી પ્રાપ્ત થયો છે.

આ તકે બોલીવુડ સ્‍ટાર અક્ષય કુમારે પણ નમ્રમુનિ મહારાજ દ્વારા આપવામાં આવેલા પાંચ સ ને લઈને કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપીને નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રત્‍યે પોતાની કળતજ્ઞતા વ્‍યક્‍ત કરી હતી.

અક્ષય કુમારે જણાવ્‍યું હતું કે તેમની પાસે ચાર સ હતા હતા. પરંતુ સ્‍વજનનો પાંચમો સ નમ્રમુનિ મહારાજે તેમને આપ્‍યો છે જેથી તેઓ ખાસ તેમના આભારી છે અને તેને કારણે જ આજે સ્‍વયમ જન્‍મદિવસની શુભકામના પાઠવવા માટે જુનાગઢ આવ્‍યા હતા.

(1:30 PM IST)