News of Monday, 29th September 2025
૩૧ લાખના ખાતર કૌભાંડમાં પ્રમુખની ધરપકડ કરાઇ
વંથલીની ઝાપોદડ સેવા મંડળીની ઘટનાઃઝાપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનસુખ ગંગદાસ પાડલીયા અને મંડળીના મંત્રી કેવલ જીતેન્દ્ર જયસ્વાલએ ખાતર ખેડૂતોને વહેંચી અને પૈસાની ઉચાપત કરી

જુનાગઢ,તા.૨૯
જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં ૨૦૨૨થી મેનેજર તરીકે ફરજ બજાવતા સતીષકુમાર ગોવિંદ ખટારીયાએ ઝાપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનસુખ ગંગદાસ પાડલીયા અને મંડળીના મંત્રી કેવલ જીતેન્દ્ર જયસ્વાલ સામે વંથલી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં મંડળીના પ્રમુખ અને મંત્રી દ્વારા તા. ૧ એપ્રિલ ૨૦૨૩થી તા ૩૧ જાન્યુઆરી ૨૦૨૪ દરમિયાન ખરીદ વેચાણ સંઘ પાસેથી રાસાયણિક ખાતર સહિતની વસ્તુઓ મંગાવી હતી. જે ખાતર ખેડૂતોને વેચી તેના ઉપજેલા નાંણા વસુલી તે નાણા મંડળીના ખાતે જમા લીધા હતા. બાદમાં બને આરોપીઓએ પોતાની સહી ચેકમાં કરીને રૃ.૧૯.૪૫ લાખ મંડળીના મંત્રીના બેંક ખાતામાં ટ્રાન્સફર કરી લીધા અને બાદમાં તે રકમ પોતાના અંગત હિત માટે વાપરી ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાવામાં આવી છે.
ઝાપોદડ સેવા સહકારી મંડળીના પ્રમુખ મનસુખ ગંગદાસ પાડલીયા અને મંડળીના મંત્રી કેવલ જીતેન્દ્ર જયસ્વાલએ ખાતર ખેડૂતોને વહેંચી અને પૈસાની ઉચાપત કરી હતી. તેમજ ખરીદ વેચાણ સંઘનું ખાતરનું બીલ પણ ન ચૂકવીને કાવતરું રચીને ખરીદ વેચાણ સંઘ સાથે કુલ રૃ.૩૧,૦૬,૧૨૯ની રકમની નાણાકીય ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધીને મંડળીના પ્રમુખ મનસુખ પાડલીયાની ધરપકડ કરીને ફરાર આરોપી જીતેન્દ્ર જયસ્વાલની શોધખોળ શરૃ કરી છે. તેમજ ઝડપાયેલા પ્રમુખની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ કૌભાંડમાં કોણ કોણ હજુ પણ સંડોવાયેલું છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આમ લાખોની કિંમતનું ખાતર વહેંચીને ઉચાપત કરનાર મંડળીના પ્રમુખ અને મંત્રી સામે ફરિયાદ તો નોંધાઈ છે પરંતુ હજુ પણ આ કૌભાંડમાં અનેક નામો ખૂલે તેવી શક્યતા છે.
(10:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
