News of Tuesday, 30th September 2025
કચ્છના વિવિધ ઔદ્યોગિક સંગઠનોએ જીએસટી દરના ઘટાડાને વધાવી સ્વદેશી અભિયાન તેમજ વોકલ ફોર લોકલના સહયોગ માટે આપી ખાતરી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે વર્ચ્યુઅલ સંવાદમાં કચ્છના ઉદ્યોગકારો સહભાગી બન્યા
જીએસટી સ્લેબના ઘટાડાને લીધે માત્ર નાગરિકોને જ નહીં પણ ઉદ્યોગોને પણ ફાયદો થઈ રહ્યો છે, નાના અને મધ્યમ વર્ગને ખૂબ જ ફાયદો થશે, કચ્છ જિલ્લો લોજિસ્ટીકનું હબ છે ત્યારે જીએસટીના ઘટાડાથી નવા ટ્રાન્સપોર્ટ વાહનોની ખરીદ કિંમત ઘટી છે જેનો સીધો જ લાભ ઉદ્યોગકારોને મળી રહ્યો છે : કચ્છની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેશ પુજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના વિવિધ ઈન્ડસ્ટ્રી એસોસિએશન તેમજ ઉદ્યોગ સંગઠનો સાથે જીએસટીના દરમાં ઘટાડો, વોકલ ફોર લોકલ અને સ્વદેશી અભિયાન અંગે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના ઉદ્યોગકારો અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિશ્રીઓને જીએસટી ઘટાડાના લાભ અને તેનાથી ભવિષ્યમાં થનારા ફાયદાઓ વિશે અવગત કરાવ્યા હતા. ગુજરાતના જનજન સુધી વોકલ ફોર લોકલની મુહિમને પહોંચાડવા, સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રાધાન્ય આપવા અને જીએસટીનો લાભ નાગરિકોને આપવા માટે આ બેઠકમાં ઉદ્યોગકારોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ સંવાદમાં જી.એસ.ટી. ઘટાડાનો ફાયદો આમ જનતાને મળે તેમજ નાગરિકો ‘બચત ઉત્સવ’નો લાભ લઈ શકે તે માટે રીતે આયોજનમાં સહભાગી થવા કચ્છના ઉદ્યોગકારોએ ખાતરી આપી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ભુજ સહિત વિવિધ જગ્યાએથી વિવિધ ઔદ્યૌગિક સંગઠનો મુખ્યમંત્રીશ્રીના સંવાદ કાર્યક્રમમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વિવિધ ઉદ્યોગકારો સાથે વર્ચ્યુલી સંવાદ કરતાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને અપનાવવા એ પ્રાથમિક બાબત છે. આત્મનિર્ભર ભારતના વિઝનથી સ્થાનિક કારીગરો, નાના ઉદ્યોગો અને યુવાનો માટે રોજગારની તકો ઉપલબ્ધ થઈ રહી છે. રોજબરોજના ઉપયોગમાં સ્વદેશી ઉત્પાદનનો ઉપયોગ વધારવા અંગે મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, વિદેશી ઉત્પાદનોની નિર્ભરતા ઘટે એ પ્રકારના વાતાવરણનું સર્જન કરવા મુખ્યમંત્રીશ્રીએ ઉદ્યોગકારો અને ઔદ્યોગિક સંગઠનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કચ્છની ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મહેશ પુજ એ જણાવ્યું હતું કે, જીએસટી સ્લેબના ઘટાડાને લીધે માત્ર નાગરિકોને જ નહીં પણ ઉદ્યોગોને પણ ફાયદો થઈ રહ્યો છે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જીએસટીના ઘટાડાથી નાના અને મધ્યમ વર્ગને ખૂબ જ ફાયદો થશે. કચ્છ જિલ્લો લોજિસ્ટીકનું હબ છે ત્યારે જીએસટીના ઘટાડાથી નવા ટ્રાન્સપોર્ટ વાહનોની ખરીદ કિંમત ઘટી છે જેનો સીધો જ લાભ ઉદ્યોગકારોને મળી રહ્યો છે. મહેશ પુજ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરીને જીએસટી ઘટાડાને નિર્ણયને બિરદાવ્યો હતો.
(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
