<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ભુજના જાણીતા શિવાલિકા ગ્રુપ સાથે કથિત તબીબે ૧ કરોડની છેતરપિંડી કરતા ચકચાર

જૈનુલ કાજાણીએ નકલી ડિગ્રી છતાંયે બિન્ધાસ્ત મુખ્ય એરિયામાં હાઈફાઈ હોસ્પિટલ ખોલી હતી, સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ બાદ ધરપકડ અને રિમાન્ડ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : ભુજના મુખ્ય વિસ્તાર ઘનશ્યામ નગરમાં હાઈફાઈ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખોલનાર અને બાદમાં નકલી તબીબી ડિગ્રીનો પર્દાફાશ થતા હોસ્પિટલ બંધ કરી ભાગી છૂટનાર જૈનુલ અમીરઅલી કાજાણી સામે ફરી વધુ એક ફરિયાદ નોધાઈ છે. ૧.૧૦ કરોડની ઠગાઈની ફરિયાદ નોધાઈ છે. અનેક વ્યવસાયો સાથે સંકળાયેલા ભુજના જાણીતા શિવાલિકા ગ્રુપના અંકિત અનુપગીરી ગોસ્વામીએ ૧.૧૦ કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ભુજના ઘનશ્યામનગરમાં હાઈફાઈ મલ્ટી સ્પેશ્યાલિટી ટાઈપ કાજાણી હોસ્પિટલ શરૂ કરનાર જૈનુલ કાજાણીએ રૂપિયા હોસ્પિટલ માટે અઢી કરોડની જરૂરત હોવાનું કહી ૫૦ ટકા ભાગીદારીમાં જોડાઈ હોસ્પિટલની કમાણી માંથી અડધો ભાગ આપવાની ઓફર કરી હતી. આ દરમ્યાન આ નકલી તબીબે પોતાના ઓપરેશનના વીડિયો બતાવી વિશ્વાસ મેળવ્યો હતો. એટલે ફરિયાદી અંકિત ગોસ્વામી ૨૧/૦૯/૨૪ ના ભાગીદાર થયા અને કાજાણીને ટુકડે ટુકડે રૂ. ૧ કરોડ ૧૦ લાખ ચૂકવ્યા હતા. દરમ્યાન જૈનુલ કાજાણીએ અમદાવાદના કોઈ તબીબના પેપર સાથે ચેડા કરી પોતાના નામે તબીબી ડિગ્રી ધારણ કરી નકલી તબીબ હોવા છતાંયે અસલી તબીબ તરીકે પ્રેક્ટિસ ચાલુ કરી હતી. આ અંગે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ કરતા તુરત જ આ નકલી તબીબની ધરપકડ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરાઈ છે. જોકે, આરોગ્ય વિભાગની આંખના ધૂળ નાખી ભુજ જેવા મોટા શહેરમાં હોસ્પિટલ ચાલુ કરનાર નકલી તબીબ જૈનુલ કાજાણી સામે અગાઉ પણ ઠગાઈની ફરિયાદો નોધાઈ ચૂકી છે. તબીબનો ભાંડો ફૂટી જતા હોસ્પિટલ બંધ કરી નાસી છૂટવાનો વારો આવ્યો હતો હવે આ નકલી તબીબના ગળે કાયદાનો સકંજો કસાયો છે.

(9:29 AM IST)