News of Tuesday, 30th September 2025
સાયલાના ટીટોડામાં નાનો ભાઇ છોકરીને ભગાડી જતાં મોટા ભાઇ પર હુમલો થયો
જેશાભાઇ નરંભડીયાને સમાધાનની વાતના બહાને બોલાવી પાઇપ-ધોકાથી ફટકારાયા

રાજકોટ તા. ૩૦: સાયલાના ટીટોડા ગામે રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં જેશાભાઇ વીરાભાઇ નરંભડીયા (ઉ.વ.૩૨) નામના યુવાનને ગામમાં મેઘાભાઇ, રામાભાઇ સહિતનાએ ધોકા-પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ધજાળા પોલીસને જાણ કરી હતી. જેશાભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા છે. તે ખેતી કરી ગુજરાન ચલાવે છે. સગાએ કહ્યું હતું કે જેશાભાઇનો નાનો ભાઇ ગામની એક છોકરીને ત્રણેક મહિના પહેલા ભગાડી ગયો છે અને મૈત્રીકરાર કરી લીધા છે. આ બાબતે મનદુઃખ ચાલતું હોઇ સમાધાનની વાત કરવાના બહાને તેને ગામમાં બોલાવાયા બાદ હુમલો કરાયો હતો. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
